પર્વતીય રાજ્યોમાં કુદરતી આફતનો કહેર, હિમાચલમાં વાદળ ફાટ્યું તો અરુણાચલમાં પૂર-ભૂસ્ખલન

નવી દિલ્હી: ચોમાસાની શરૂઆત સાથે જ દેશના પર્વતીય વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે પૂર તથા ભૂસ્ખલનની સ્થિતિ સર્જાતા જનજીવન પર ગંભીર અસર પડી છે.

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના કાચરંગ વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટતાં કાચરંગ નાળામાં અચાનક ભારે પૂર આવ્યું હતું. પાણીના જોરદાર પ્રવાહે સ્થાનિક રસ્તાઓ, સંપર્ક માર્ગો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. જળશક્તિ વિભાગની પાઇપલાઇનો અને બે ઇનટેક ટેન્કો પણ પૂરના પાણીમાં ધોવાઈ જતા અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે.

પૂરના કારણે સફરજનના બગીચાઓમાં પણ ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિક વહીવટી તંત્રએ જણાવ્યું છે. જોકે, પૂરનો પ્રવાહ રહેણાંક વિસ્તારો તરફ ન વળતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બીજી તરફ અરુણાચલ પ્રદેશના કેયી પન્યોર જિલ્લામાં સતત વરસાદના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. યાજાલી વિસ્તારમાં સુરક્ષા દીવાલ તૂટી પડતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. આ ઘટનામાં 18 મકાનોને નુકસાન થયું છે અને ત્રણ લોકો લાપતા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ભારે વરસાદને કારણે રંગા નદીમાં જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિસ્તારમાં વીજ ઉત્પાદન પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે.

અરુણાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અનેક ભાગો અવરોધિત થયા છે. વાહનવ્યવહાર ખોરવાઈ જતાં અનેક મુસાફરો અને પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ પડ્યા છે. માર્ગો ખુલ્લા કરવા માટે મશીનરીની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફ અને અન્ય આપત્તિ પ્રતિસાદ દળોને તહેનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને નદીઓ તથા ભૂસ્ખલન સંભવિત વિસ્તારોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE