અમદાવાદમાં બાળ સુરક્ષા માટે સઘન અભિયાન, 276 બાળકોને નવું જીવન મળ્યું

અમદાવાદ: શહેરમાં બાળ સુરક્ષા, શિક્ષણ અને પુનર્વસનને પ્રાથમિકતા આપતા અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સરકારી વિભાગોએ છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરી છે. વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને વિવિધ સંજોગોમાંથી રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જીવન તરફ આગળ વધારવામાં આવ્યા છે.

સત્તાવાર માહિતી અનુસાર, ગુમ થયેલા 33 બાળકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે. ઉપરાંત, ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા બાળકોને બચાવવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં JJ એક્ટ હેઠળ 22 કેસ નોંધાયા હતા અને 67 બાળકોને રેસ્ક્યૂ કરીને તેમને શિક્ષણની મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે.

બાળમજૂરી સામેના અભિયાનમાં પણ તંત્રને મોટી સફળતા મળી છે. અત્યાર સુધીમાં 33 કેસ નોંધવામાં આવ્યા છે અને 107 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેમના પુનર્વસન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

આંતરરાજ્ય બાળ તસ્કરીના એક ગંભીર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકેટનો ભાંડો ફોડીને માત્ર 15 દિવસના બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. આ કામગીરીને બાળ સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

મહિલા અને બાળ સુરક્ષા માટે હાથ ધરાયેલા વિવિધ અભિયાનો દરમિયાન GP એક્ટ હેઠળ 57 કેસ નોંધવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાં 40થી વધુ એન્ટી-બેગિંગ ડ્રાઇવ યોજીને રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો અને પુખ્તોને સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં 60થી વધુ બાળકો અને 89 પુખ્ત વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં AMC અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત એન્ટી-બેગિંગ અભિયાનના પ્રથમ દિવસે પશ્ચિમ અમદાવાદમાંથી 44 બાળકો સહિત કુલ 64 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂ કરાયેલા બાળકોને શિક્ષણ, કાઉન્સેલિંગ, આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે. બાળ સુરક્ષા માટે અમદાવાદમાં ચાલી રહેલા આ અભિયાનને સમાજના નબળા વર્ગના બાળકો માટે આશાનું કિરણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE