ભારતીય ફ્રીસ્ટાઇલ રેસલર વિનેશ ફોગાટને આગામી 30 અને 31 મેના રોજ યોજાનારી એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની વચગાળાની પરવાનગી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી હાઈકોર્ટના આદેશને હાલ પૂરતો માન્ય રાખ્યો છે, પરંતુ સાથે જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની અરજી પર નોટિસ જારી કરીને વધુ સુનાવણી1 જૂન પર મુલતવી રાખી છે. જોકે, સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે વિનેશ ફોગાટના વલણ અને નિયમોના પાલનને લઈને કેટલાક આકરા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
જસ્ટિસની ખંડપીઠે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વિનેશ ફોગાટ કોઈ સામાન્ય ખેલાડી નથી, દેશ માટે તેમના નામે ઘણી મોટી સિદ્ધિઓ છે, પરંતુ કોઈપણ ખેલાડી કરતાં દેશ અને રમતના નિયમો હંમેશા પહેલા આવે છે.” અદાલતે ઉમેર્યું કે, ટ્રાયલ્સ આવતીકાલે જ યોજાવાની હોવાથી અમે ખેલાડીને તક વંચિત રાખીને રોકવા નથી માંગતા, પરંતુ હાઈકોર્ટના આદેશ સામે અમારી પાસે ઘણા કાનૂની પ્રશ્નો છે, જેના જવાબો આપવા પડશે.
નિયમોના ભંગ બદલ કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલો વાસ્તવમાં, દિલ્હી હાઈકોર્ટે વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં બેસવાની મંજૂરી આપી હતી, જેની સામે રેસલિંગ ફેડરેશને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં વિનેશના વકીલે દલીલ કરી હતી કે, એક વર્ષ પહેલા જ માતા બનેલી મહિલા ખેલાડી માત્ર ટ્રાયલ્સમાં ભાગ લેવાની તક માંગી રહી છે.
આ દલીલ સામે ન્યાયાધીશે ખેલાડીના રેકોર્ડની નોંધ લેતા ગંભીર સવાલો કર્યા કે, “તમે ૧૪ ડિસેમ્બર, 2024ના રોજ રમતમાંથી બ્રેક લીધો અને ત્યારબાદ માતા બન્યા. પરંતુ, આ સમયગાળા દરમિયાન તમે ફરજિયાત ડોપિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ભાગ લીધો નથી, તેમજ તમારા રોકાણ (Whereabouts) અંગેની જરૂરી માહિતી પણ એજન્સીઓને આપી નહોતી.” કોર્ટે વધુમાં નોંધ્યું કે, બાદમાં વિનેશ તરફથી વિધાનસભાની કાર્યવાહીમાં વ્યસ્ત હોવાનો જે ખુલાસો આપવામાં આવ્યો હતો, તે નિયમબદ્ધ રીતે સ્વીકાર્ય નહોતો.
રમતના વૈશ્વિક નિયમો સર્વોપરી: સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, એશિયન ગેમ્સ માટેની પસંદગી પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી જ શરૂ થઈ ગઈ હતી. નિયમો અનુસાર વિનેશે નિર્ધારિત ચાર મુખ્ય સ્પર્ધાઓમાં ભાગ લેવો અનિવાર્ય હતો, જે માપદંડ પૂર્ણ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને છેક મે મહિનામાં આવીને કોર્ટમાં અરજી કરી છે.
અદાલતે અવલોકન કર્યું કે, ભારતીય રમતગમત જગત વૈશ્વિક ખેલ સંગઠનોના નિયમો સાથે જોડાયેલું છે. રમતગમતના પ્રસ્થાપિત નિયમોને બાકાત રાખીને વિનેશને મંજૂરી આપવાનો હાઈકોર્ટનો નિર્ણય કાયદાની દ્રષ્ટિએ વિચિત્ર હતો, કારણ કે નિયમો લાંબા સમયથી અમલમાં છે અને દેશના દરેક ખેલાડીને સમાન રીતે લાગુ પડે છે. હવે આ મામલે આગામી સોમવારે (૧ જૂન) થનારી અંતિમ સુનાવણી પર રમત જગતની નજર મંડાયેલી રહેશે.
Post Views: 36










