ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. સરતાનપર ગામના દરિયા કિનારે ન્હાવા પડેલા એક જ પરિવારના ત્રણ બાળકોમાંથી સગાં ભાઈ-બહેનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. આ માસૂમ બાળકોના મોતથી સ્થાનિક પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજા તાલુકાના સરતાનપર ગામના દરિયા કિનારે એક જ પરિવારના ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતા. તે દરમિયાન અચાનક દરિયાના પાણીના જોરદાર પ્રવાહમાં ત્રણેય બાળકો ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ એક બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.
પરંતુ, વિધિની વક્રતા જુઓ કે પરિવારના બે વહાલસોયા સોપાન સગાં ભાઈ-બહેન ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. મૃતક બાળકોની ઓળખ ૮ વર્ષીય હર્ષ રમેશભાઈ જાદવ અને તેની ૧૦ વર્ષીય બહેન વૈશાલી રમેશભાઈ જાદવ તરીકે થઈ છે.
ઘટનાની ગંભીરતાને જોતાં તળાજા ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ દરિયાના પાણીમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. અંતે ભારે જહેમત બાદ બંને માસૂમ ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એકસાથે ઘરના બે દીવડા બુઝાઈ જતાં જાદવ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર સરતાનપર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
રિપોર્ટર: અમીન પાયક, મહુવા-ભાવનગર
Post Views: 0











