ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ વર્ષનો સૌથી ગરમ સમયગાળો એટલે ‘નૌતપા’. જ્યેષ્ઠ મહિનામાં જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ત્યારે શરૂ થતા શરૂઆતના નવ દિવસોને ‘નૌતપા’ (Nautapa) તરીકે ઓળખવામાં આવે છે.
આ વર્ષે નૌતપા 25 મે, 2026 થી શરૂ થઈને 2 જૂન, 2026 સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાન બંને મુજબ, આ દિવસોમાં પડતી અસહ્ય ગરમી આગામી ચોમાસા (Monsoon) માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.
નૌતપાનું મહત્વ અને ધાર્મિક માન્યતા
શાસ્ત્રો અનુસાર, સૂર્યદેવ જ્યારે રોહિણી નક્ષત્રમાં આવે છે ત્યારે પૃથ્વી પર સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે ગરમીનું પ્રમાણ અનેકગણું વધી જાય છે.
-
સારા ચોમાસાના સંકેત: એવી લોકવાયકા અને જ્યોતિષીય માન્યતા છે કે નૌતપા દરમિયાન જેટલી તીવ્ર ગરમી પડે અને પૃથ્વી તપે, તેટલો જ શાનદાર અને ભરપૂર વરસાદ ચોમાસામાં થાય છે.
-
રોહિણી નક્ષત્રનો પ્રભાવ: રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને સૂર્ય પોતે અગ્નિ તત્વ છે. જ્યારે સૂર્ય ચંદ્રના આ નક્ષત્રમાં આવે છે, ત્યારે તે ઠંડકને સોષી લે છે, જેના કારણે તાપમાનનો પારો ખૂબ ઊંચે જાય છે.
નૌતપા દરમિયાન શું કરવું જોઈએ? (કરવા યોગ્ય કાર્યો)
આ દિવસોમાં સેવા અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે:
-
પક્ષી-પ્રાણી સેવા: અસહ્ય ગરમીમાં અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે અગાશી કે ઘર આંગણે પાણીના કુંડા (પરબ) મૂકવા. આ કાર્ય ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે.
-
દાન-પુણ્ય: જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ દિવસોમાં ઠંડા પાણીનું માટલું, છત્રી, પંખા કે અન્ન-જળનું દાન કરવું જોઈએ.
-
સ્વાસ્થ્યપ્રદ આહાર: શરીરમાં પાણીની અછત ન સર્જાય તે માટે દહીં, છાશ, લસ્સી, બેલનું શરબત, નાળિયેર પાણી અને તરબૂચ-ટેટી જેવા મોસમી ફળોનું વધુ સેવન કરવું.
-
પિતૃ તર્પણ: નૌતપાના પવિત્ર દિવસોમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પાણીથી તર્પણ કરવું અત્યંત શુભ ગણાય છે.
નૌતપા દરમિયાન શું ન કરવું? (રાખવાની સાવચેતીઓ)
તીવ્ર ગરમી અને જ્યોતિષીય ગ્રહદશાને કારણે કેટલીક બાબતોની મનાઈ છે:
-
માંગલિક કાર્યોની મનાઈ: નૌતપાના આ 9 દિવસો દરમિયાન લગ્ન, જનોઈ કે ગૃહ પ્રવેશ જેવા મોટા માંગલિક અને શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ.
-
ખોરાકમાં પરેજી: વધુ પડતો ગરમ, તીખો, તળાયેલો (Fried Food) અને માંસાહારી ભોજન લેવાનું ટાળો, કારણ કે આ દિવસોમાં પાચનશક્તિ ધીમી પડે છે.
-
બપોરની મુસાફરી: અત્યંત અનિવાર્ય જરૂરિયાત વગર આ દિવસોમાં લાંબી મુસાફરી કરવાનું ટાળવું હિતાવહ છે.
-
હીટ વેવથી બચો: ખાસ કરીને બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી સીધા તડકામાં બહાર જવાનું ટાળો, જેથી લૂ (Heat Wave) લાગવાથી બચી શકાય.
Post Views: 70











