તાજેતરમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ IPL 2026માં એક મેચ દરમિયાન ઈ-સિગારેટ (વેપિંગ) પીતા જોવા મળ્યા હતા, જેને લઈને ભારે હોબાળો થયો હતો અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ હવે ભારતીય સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો એક વીડિયો સામે આવ્યો છે, જેણે નવો વિવાદ છેડ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલ ફ્લાઈટની અંદર ઈ-સિગારેટનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.
ઈ-સિગારેટ પીતા જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ
વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પંજાબ કિંગ્સની ટીમના ટ્રાવેલિંગ દરમિયાનનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં ચહલ અજાણતામાં બેકગ્રાઉન્ડમાં રેકોર્ડ થઈ જાય છે, જ્યાં તેઓ કથિત રીતે ઈ-સિગારેટનો ઉપયોગ કરતા દેખાય છે. જેવો આ મામલો સામે આવ્યો કે તરત જ પંજાબ ફ્રેન્ચાઇઝીએ કથિત રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો હટાવી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણા યુઝર્સે આ ક્લિપ ડાઉનલોડ કરીને શેર કરી દીધી હતી.જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો.ત્યારથી જ ચહલને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચહલ પર થશે કડક કાર્યવાહી!
નોંધનીય છે કે ફ્લાઈટની અંદર ઈ-સિગારેટ કે કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કરવું એ કડક નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. વિમાનમાં વેપિંગ અથવા ઈ-સિગારેટના ઉપયોગથી સુરક્ષા જોખમ, ખાસ કરીને આગ લાગવાનો ખતરો વધી શકે છે. એવામાં આ મામલો ગંભીર માનવામાં આવી રહ્યો છે અને એવિએશન (ઉડ્ડયન) નિયમોના ઉલ્લંઘનને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. જો આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાય છે, તો DGCA તરફથી કાર્યવાહી અથવા પ્રતિબંધ જેવા પગલાં પણ લેવામાં આવી શકે છે.
Post Views: 107











