નોરા ફતેહીએ ‘સરકે ચુનર’ વિવાદ પર આપી સ્પષ્ટતા, માંગી માફી; કહ્યું- ‘કોઈને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો’

નોરા ફતેહી 7 મેના રોજ સવારે 11:30 કલાકે જસોલા સ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ની ઓફિસ પહોંચી હતી. ફિલ્મ ‘KD: The Devil’ નું ગીત સરકે ચુનર’ વિવાદોમાં ઘેરાતા જ નોરા પર મુસીબતના વાદળો છવાયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું હતું કે, આ ગીતના બોલ અને ડાન્સ સ્ટેપ્સ અશ્લીલ છે. NCW ઓફિસથી બહાર નીકળ્યા બાદ નોરાએ મીડિયા સાથે વાત કરી અને માફી માંગી હતી.નોરાએ એમ પણ જણાવ્યું કે, તેણે અનાથ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

NCW ઓફિસની બહાર આવતા જ નોરા ફતેહીએ માફી માંગી

NCW ઓફિસની બહાર મીડિયા સાથે વાત કરતા નોરા ફતેહીએ કહ્યું, “હું માફી માંગુ છું, કારણ કે એક કલાકાર તરીકે મારે જવાબદાર હોવું જોઈએ. કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો. આ વિવાદ બાદ મેં અનાથ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.” આ પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો નોટ દ્વારા આ બાબતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

અગાઉ, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે આ ગીત સાથે જોડાયેલા વિવાદ અને ફરિયાદો બાદ તેને બેન (પ્રતિબંધિત) કરી દેવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાના પ્રશ્ન બાદ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો.

‘સરકે ચુનર’ પર વિવાદ કેમ થયો?

આ વિવાદ સૌપ્રથમ માર્ચ 2026 માં શરૂ થયો હતો, જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ‘સરકે ચુનર તેરી સરકે’ ગીતને લઈને અભિનેત્રી નોરા ફતેહી, અભિનેતા સંજય દત્ત, ગીતકાર રકીબ આલમ, પ્રોડ્યુસર વેંકટ કે. નારાયણ અને ડાયરેક્ટર કિરણ કુમારને સમન્સ પાઠવ્યા હતા.

  • ગંભીર કલમો હેઠળ તપાસ: ANI અનુસાર, આયોગે ભારતીય ન્યાય સંહિતા, IT એક્ટ અને પોક્સો (POCSO) એક્ટની જોગવાઈઓ હેઠળ ગીતના બોલ અને દ્રશ્યો પર ચિંતા વ્યક્ત કરી હતી.

  • અશ્લીલતાના આરોપ: આયોગે જણાવ્યું હતું કે અનેક રિપોર્ટ્સ અને ફરિયાદોમાં ગીત પર અશ્લીલતા અને ફુહડતાના આરોપ લાગ્યા બાદ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.

  • વ્યાપક વિરોધ: રિલીઝ થયા બાદ આ ગીતને ઓનલાઇન ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવાયેલા આ ગીતની અનેક સંગઠનો અને લોકોએ ટીકા કરી હતી. તેમનો આરોપ હતો કે આ ગીતના શબ્દો અને દ્રશ્યોમાં મહિલાઓને એક વસ્તુ (objectify) તરીકે દર્શાવવામાં આવી છે. ત્યારબાદ આ ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE