કૈલૈશ ભટ્ટ ઉના
કાણકબરડા ગામમાં બચ્ચા સાથે સિંહણ અને નાંદરખમાં સિંહબેલડી કેમેરે કેદ.
ઉના પંથકમાં વનરાજોની ખુલ્લેઆમ અવરજવર જોવા મળી રહી છે. તાજેતરમાં, કાણકબરડા ગામમાં એક સિંહણ તેના બચ્ચા સાથે શિકારની શોધમાં ગામમાં પ્રવેશી હતી, જ્યારે નાંદરખ ગામ નજીક નદીના પટમાં સિંહ અને સિંહણની જોડી આરામ ફરમાવતી જોવા મળી હતી. ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર સતત વધી રહી છે. સિંહોની આ હાજરીને કારણે સ્થાનિકોમાં એકતરફ ભય અને બીજી તરફ આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો છે.
કાણકબરડા ગામે મોડી રાત્રિના સમયે એક સિંહણ પોતાના બચ્ચા સાથે શિકારની શોધમાં ગામની મધ્યમાં આવી પહોંચી હતી. આ સિંહણે બચ્ચા સાથે ગામની શેરીઓમાં લાંબા સમય સુધી આંટાફેરા કર્યા હતા અને શિકાર શોધવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, સમગ્ર ગામમાં ભ્રમણ કર્યા બાદ પણ ક્યાંય શિકાર ન મળતાં, સિંહણ પોતાના બચ્ચા સાથે પરત સીમ તરફ રવાના થઈ ગઈ હતી. રાત્રિના સમયે ગામની વચ્ચે સિંહણની આ હાજરીથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
બીજી તરફ, ઉનાના નાંદરખ ગામેથી એક અદ્ભુત નજારો સામે આવ્યો હતો. ગામ નજીક આવેલી નદીના ખુલ્લા પટમાં એક સિંહ અને સિંહણ આરામ ફરમાવતા સ્થાનિકોની નજરે પડ્યા હતા.
ધોળા દિવસે નદીના પટમાં વનરાજાની આ શાહી સવારી અને આરામ જોવાની વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જાગ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની આ પ્રકારે સતત અવરજવરને પગલે સ્થાનિક લોકોએ રાત્રિના સમયે સાવચેત રહેવા અપીલ કરી છે.










