ગુજરાતની ‘જીવાદોરી’ ૧૦૮ સેવા ૧૯ વર્ષ પૂર્ણ, ૧.૯૯ કરોડથી વધુ ઇમરજન્સી કેસમાં મદદ

ગાંધીનગર: ગુજરાતની ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સેવા આજે ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં પ્રવેશી છે. ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ શરૂ થયેલી આ સેવા રાજ્યના નાગરિકો માટે માત્ર એમ્બ્યુલન્સ સેવા નહીં પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાંની ‘પ્રિ-હોસ્પિટલ કેર’ની મહત્વપૂર્ણ લાઈફલાઈન બની છે.

ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૧૦૮ સેવા દ્વારા રાજ્યમાં ૧ કરોડ ૯૯ લાખથી વધુ ઇમરજન્સી કેસમાં પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ગંભીર સ્થિતિમાં રહેલા ૧૯.૬૬ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા હોવાનો રાજ્ય સરકારનો દાવો છે.

દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ રવાના

૧૦૮ પર આવતા લગભગ ૯૯ ટકા કોલનો પ્રથમ બે રિંગમાં જવાબ આપવામાં આવે છે. રાજ્યમાં સરેરાશ દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી માટે રવાના થાય છે, જ્યારે સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૩ મિનિટ ૯ સેકન્ડ હોવાનું જણાવાયું છે.

૧૯ વર્ષ દરમિયાન ૧૦૮ દ્વારા આશરે ૬૨ કરોડ કિલોમીટરથી વધુનું સંચાલન કરવામાં આવ્યું છે અને દરરોજ સરેરાશ ૪,૭૮૦ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.

માતા અને બાળ સુરક્ષામાં મોટું યોગદાન

૧૦૮ સેવાને માતા અને બાળ સુરક્ષામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અત્યાર સુધીમાં ૬૨.૯૭ લાખથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં મદદ પહોંચાડવામાં આવી છે.

આ પૈકી ૧.૬૪ લાખથી વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે અથવા રસ્તામાં કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત ૧૦૮ દ્વારા:

૨૪.૧૮ લાખથી વધુ માર્ગ અકસ્માતના કેસ

૧૧.૭૭ લાખથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસ

૯.૮૭ લાખથી વધુ હૃદયરોગના હુમલાના કેસ

માં દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી પ્રિ-હોસ્પિટલ કેર આપવામાં આવી છે.

એર એમ્બ્યુલન્સ અને બોટ એમ્બ્યુલન્સની સુવિધા

ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓને વધુ વિસ્તૃત કરવા માટે ૨૧ માર્ચ, ૨૦૨૨થી GUJSAIL અને GVK EMRIના સંકલનથી સંકલિત એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. માછીમારો માટે પોરબંદર અને ઓખા બંદરે બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

૧૧૨ હેલ્પલાઈનનું પણ એક વર્ષ પૂર્ણ

ગુજરાતમાં એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઈન ‘૧૧૨’એ પણ એક વર્ષ પૂર્ણ કર્યું છે. એક વર્ષમાં ૧૧૨ હેલ્પલાઈન દ્વારા ૧૦ લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

કંટ્રોલ રૂમ દ્વારા સરેરાશ દર મિનિટે ૧૦ કોલ એટેન્ડ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ પોલીસ અથવા સંબંધિત ઇમરજન્સી મદદ પહોંચાડવામાં આવે છે.

૨૪ કલાક અને ૩૬૫ દિવસ કાર્યરત રહેતી ૧૦૮ અને ૧૧૨ સેવાઓના કોલ સેન્ટર એજન્ટ્સ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ડ્રાઈવરો અને પોલીસ કર્મચારીઓની કામગીરીને રાજ્યના ‘અદ્રશ્ય હીરો’ તરીકે ગણાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE