પટ્ટાયા: થાઈલેન્ડના જાણીતા પ્રવાસન શહેર પટ્ટાયામાં અમેરિકન નૌસેનાના લગભગ 5,000 સૈનિકો અને મરીન્સના આગમન પહેલાં સેક્સ વર્ક અને ગેરકાયદે વેશ્યાવૃત્તિના નેટવર્ક સામે પોલીસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
અમેરિકન નૌસેનાનું વિશાળ એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincoln 2 સપ્ટેમ્બરે થાઈલેન્ડના લેમ ચાબાંગ બંદરે પહોંચ્યું છે. તેની સાથે અન્ય નૌસેનાના જહાજો પણ આવ્યા છે. લગભગ 5,000 અમેરિકન સૈનિકોને 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન પટ્ટાયામાં આરામ અને મનોરંજન માટે શોર લીવ આપવામાં આવી છે.
40થી 50 લોકોની અટકાયત
અમેરિકન સૈનિકોના આગમન પહેલાં પટ્ટાયા પોલીસે બીચ અને નાઈટલાઈફ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. સપ્તાહના અંતે થયેલી કાર્યવાહીમાં 40થી 50 લોકોને કથિત વેશ્યાવૃત્તિ સંબંધિત ગુનાઓના શંકાસ્પદ તરીકે અટકાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. એક અલગ ઓપરેશનમાં 29 ઓગસ્ટે પટ્ટાયા બીચ પરથી 25 મહિલાઓને કથિત સ્ટ્રીટ પ્રોસ્ટિટ્યુશનના આરોપમાં અટકાવવામાં આવી હતી.
વેશ્યાવૃત્તિ કાયદેસર નથી
થાઈલેન્ડમાં વેશ્યાવૃત્તિ કાયદેસર નથી, જોકે પટ્ટાયા જેવા પ્રવાસન વિસ્તારોમાં સેક્સ ઇન્ડસ્ટ્રી લાંબા સમયથી ખુલ્લેઆમ જોવા મળે છે. અમેરિકન સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીથી ગેરકાયદે સેક્સ ટ્રેડ અને શોષણનું જોખમ વધી શકે તેવી ચિંતા સ્થાનિક અધિકારીઓ અને નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
બીજી તરફ, સ્થાનિક વેપારીઓ અમેરિકન સૈનિકોના આગમનને પટ્ટાયાના ધીમા પડેલા પ્રવાસન વ્યવસાય માટે આર્થિક તક તરીકે જોઈ રહ્યા છે. મેયરના જણાવ્યા મુજબ એક અમેરિકન સૈનિક દરરોજ આશરે 1,000થી 3,000 થાઈ બાહ્ટ (લગભગ $30થી $91) ખર્ચી શકે છે.










