વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે દબાણનો આક્ષેપ, RMC કચેરીએ વેપારીઓનું શક્તિ પ્રદર્શન
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં દબાણના મુદ્દે રઘુવંશી સમાજના વેપારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા વચ્ચે વિવાદ સર્જાયો છે. ગાત્રાળ હોટલના સંચાલકો દ્વારા પતરા, ચાનો થડો અને કૂલર સહિતની વસ્તુઓ ગોઠવી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, અગાઉ આ દબાણ અંગે ભક્તિનગર પોલીસ મથકના PI દ્વારા દરમિયાનગીરી કરી મામલો ઉકેલવામાં આવ્યો હતો. જોકે, 20 ઓગસ્ટના રોજ ફરીથી દબાણ કરવામાં આવતા સમગ્ર મામલો વકર્યો હતો.
દબાણની તપાસ માટે પહોંચેલા અધિકારીઓની કામગીરી સામે પણ વેપારીઓએ સવાલો ઉઠાવ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે દબાણ હટાવ શાખાના અધિકારી સોરઠીયા દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રઘુવંશી સમાજના વેપારીનું બોર્ડ હટાવવામાં આવ્યું, જ્યારે હોટલ સંચાલકોને માત્ર તેમનો માલ અંદર લઈ જવા જણાવાયું હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત અન્ય અધિકારી બારૈયા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતાં વેપારીઓમાં વધુ રોષ ફેલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દબાણ હટાવવાની કામગીરીમાં સમાન માપદંડ કેમ અપનાવવામાં ન આવ્યો તે અંગે વેપારીઓએ સવાલો ઉઠાવ્યા છે.
સમગ્ર મામલે રઘુવંશી સમાજના વેપારીઓ એકત્ર થઈ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને શક્તિ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ મેયરને રજૂઆત કરી ગેરકાયદે દબાણની નિષ્પક્ષ તપાસ કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી.
વેપારીઓ દ્વારા અધિકારીઓ સામે કરવામાં આવેલા પક્ષપાત અને ભ્રષ્ટ નીતિના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે મનપા તંત્ર દ્વારા સમગ્ર મામલે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.











