મહિલા તબીબને ફડાકો માર્યાનો વીડિયો વાયરલ, હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબી વ્યવસ્થાને લઈને વધુ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સિનિયર મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણી દ્વારા મહિલા તબીબ સાથે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા તબીબ સાથે ડો. અશ્વિન રામાણી હોવાનું જણાવવામાં આવતું વ્યક્તિ જોવા મળે છે. વીડિયોમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ખેંચતાણ જેવી સ્થિતિ જોવા મળે છે. આ દરમિયાન મહિલા તબીબને ફડાકો માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલના તબીબી વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ફરજ પર રહેલા તબીબો વચ્ચે આ પ્રકારની ઘટના બની હોય તો હોસ્પિટલની શિસ્ત અને કાર્યસ્થળે તબીબોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થાય છે.
મહિલા તબીબ સાથે ખરેખર શું બન્યું, વિવાદનું મૂળ કારણ શું હતું અને મારપીટના આક્ષેપો અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે મહત્વનું બન્યું છે.
વાયરલ વીડિયો અંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.











