ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સંભવિત પાણીજન્ય અને મોસમી રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નવસારી, વલસાડ અને સુરત સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં દવાઓ, ક્લોરીન ટેબલેટ્સ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, રાહત શિબિરોમાં આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાંથી સગર્ભા મહિલાઓને અગાઉથી સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરિયાત મુજબ વધારાનો તબીબી સ્ટાફ તૈનાત રાખવા પણ સૂચના અપાઈ છે.
પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સ્થિતિની સ્થળ પર સમીક્ષા કરવા તેઓ સુરત અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રવાના થયા છે.










