જય જગન્નાથના જયઘોષ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન

અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિ અને આસ્થાના અદભુત માહોલ વચ્ચે ભવ્ય રીતે નીકળી હતી. જય જગન્નાથ અને જય રણછોડના ગગનભેદી નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું.

વહેલી સવારે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ વૈદિક વિધિઓ પૂર્ણ કરી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને તેમના ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પરંપરાગત પહિંદવિધિ સંપન્ન થયા બાદ રથયાત્રાનું વિધિવત્ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી ‘નંદીઘોષ’, બલભદ્રજી ‘તાલધ્વજ’ અને સુભદ્રાજી ‘દર્પદલન’ રથમાં બિરાજમાન રહ્યા હતા.

જમાલપુર સ્થિત મંદિરથી શરૂ થયેલી રથયાત્રા કોર્પોરેશન ઓફિસ, ઢાળની પોળ, રાયપુર ચકલા, ખાડિયા, કાલુપુર, સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર, ઘી કાંટા અને માણેકચોક સહિતના પરંપરાગત માર્ગ પરથી પસાર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે.

રથયાત્રાના સમગ્ર માર્ગ પર લાખો ભાવિકોએ ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ભજન-કીર્તન અને ધાર્મિક જયઘોષથી સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. વિવિધ સ્થળોએ સેવા કેમ્પો, પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા તેમજ દેશભરમાંથી આવેલા અંદાજે 2,500 સાધુ-સંતો જોડાયા હતા. રથ ખેંચવાની પવિત્ર સેવામાં 1,000થી વધુ ખલાસીઓ જોડાયા હતા. ભાવિકો માટે 45 હજાર કિલો મગ, લાખો ઉપેરણા તેમજ વિવિધ ફળપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રથયાત્રા દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. સમગ્ર રૂટ પર 100 ડ્રોન, વોચ ટાવર, ધાબા પોઈન્ટ અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. સુરક્ષા વ્યવસ્થામાં 10 આઈજી-ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 800 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અંદાજે 30 હજાર પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE