ખત્રી વિદ્યાલય બોડેલીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો

બોડેલી: ગુજરાત સરકારના શિક્ષણ પ્રોત્સાહન અભિયાન અંતર્ગત ખત્રી વિદ્યાલય, બોડેલી ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને શૈક્ષણિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક અને અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અંડર સેક્રેટરી શ્રી સંદીપ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે લાયઝન અધિકારી શ્રી નટવરસિંહ ચૌહાણ, કોર્પોરેટર જીગ્નેશભાઈ ચોકસી, મંગાભાઈ ભરવાડ તેમજ ટ્રસ્ટના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. આ અવસરે ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર અંદાજે 225 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શૈક્ષણિક જીવનની નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દીકરીઓના પ્રવેશને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે દીકરીઓને આવકારી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી.

પોતાના સંબોધનમાં શ્રી સંદીપ ગોહિલે જણાવ્યું હતું કે, “શાળા એ માત્ર ભણતરનું નહીં પરંતુ સંસ્કારનું પણ કેન્દ્ર છે. દીકરીઓનું શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.” તેમણે વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ સાથે રમતગમત અને શારીરિક તંદુરસ્તી તરફ પણ ધ્યાન આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે શાળાની શૈક્ષણિક સિદ્ધિઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી. જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ, સતત બીજા વર્ષે 100 ટકા પરિણામ અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદર્શન બદલ શાળાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવા માટે છોડ દત્તક આપવામાં આવ્યા હતા. આ સાથે શાળાના દાતાશ્રીઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શાળાના આચાર્ય શ્રી યુ. વાય. ટપલાએ સમગ્ર સ્ટાફ, મહેમાનો, વાલીઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE