મહોરમ પૂર્વે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં, 919 સંવેદનશીલ સ્થળો પર વિશેષ નજર રાખવાના આદેશ

ગાંધીનગર: મહોરમના તહેવાર દરમિયાન રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા G. S. Malikના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન રાજ્યભરના મહોરમના જુલૂસો અને તાજિયા રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન, સીસીટીવી કેમેરા અને બોડી-વોર્ન કેમેરાની મદદથી સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે.

પોલીસ વિભાગે રાજ્યમાં કુલ 919 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી છે, જ્યાં વધારાની સતર્કતા રાખવામાં આવશે. આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધારવા તેમજ 8 થી 10 પોલીસ કર્મચારીઓની વિશેષ ટીમો તૈનાત કરવા આદેશ આપવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહોરમ સમયે જ્યાં નાની-મોટી ઘટનાઓ બની હતી તે વિસ્તારોમાં ખાસ રિસ્ક એસેસમેન્ટ પણ હાથ ધરાશે.

કોમી એકતા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે સ્થાનિક શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાની પણ સૂચના આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજ ન ફેલાય તે માટે પોલીસ અને સ્થાનિક તંત્ર વચ્ચે સતત સંકલન રહેશે.

મહોરમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્યભરમાં SRPFની વિવિધ કંપનીઓ અને પ્લાટૂન તૈનાત કરવામાં આવશે. ફરજ પર રહેનારા પોલીસ કર્મચારીઓને વિસ્તારની સંવેદનશીલતા, ભીડ નિયંત્રણ અને ઇમરજન્સી પ્રતિસાદ અંગે વિશેષ બ્રીફિંગ આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પણ પોલીસની ખાસ નજર રહેશે. કોમી સૌહાર્દ બગાડે તેવી પોસ્ટ, અફવા અથવા ખોટી માહિતી ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને ક્રાઉડ મેનેજમેન્ટ સુચારૂ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય પોલીસ તંત્રના જણાવ્યા મુજબ મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ અને સલામત રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને દરેક યુનિટને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE