અમદાવાદ: ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આવકવેરા વિભાગના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહને મોટી રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કરચોરીના કેસની પતાવટ કરવા બદલ લાંચ માંગવાના મામલે બંને સામેની સજા યથાવત રાખતાં અદાલતે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સનો સંદેશ આપ્યો છે.
આ સમગ્ર પ્રકરણની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી. કરચોરી સંબંધિત એક કેસની કાર્યવાહી દરમિયાન ફરિયાદી પાસેથી મોટી પેનલ્ટી ટાળવા માટે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ શરૂઆતમાં ₹20 લાખની માંગણી કરવામાં આવી હતી, જ્યારે બાદમાં વચેટીયા તરીકે કાર્ય કરનાર એડવોકેટ મારફતે રકમ ઘટાડવાનો પ્રયાસ થયો હતો.
ફરિયાદ મળતા સીબીઆઈએ ગુપ્ત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ અને ફરિયાદી વચ્ચેની વાતચીતના ઓડિયો પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રેપ ગોઠવીને આરોપીને રૂપિયા સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટે ઓડિયો રેકોર્ડિંગ, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને ટ્રેપ દરમિયાન મળેલા વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. વર્ષ 2010માં આપવામાં આવેલી સજાને પડકારતી અપીલ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય અને પૂરતા છે. ખાસ કરીને લાંચ સ્વીકારવાની ઘટના, કોલ રેકોર્ડ્સ અને ટ્રેપ દરમિયાન મળેલા પુરાવા આરોપીઓની સંડોવણી સ્પષ્ટ કરે છે.
અદાલતે નોંધ્યું કે ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી તારણોમાં કોઈ ગંભીર કાનૂની ખામી દેખાતી નથી. તેથી સજા રદ કરવા કે તેમાં કોઈ રાહત આપવા માટે પૂરતો આધાર ઉપલબ્ધ નથી.
આ ચુકાદા સાથે લગભગ બે દાયકાથી વધુ સમયથી ચાલી રહેલા આ કેસમાં એક મહત્વપૂર્ણ કાનૂની અધ્યાય પૂર્ણ થયો છે. કાનૂની નિષ્ણાતોના મતે આ નિર્ણય સરકારી અધિકારીઓ અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકોને પારદર્શિતા અને ઈમાનદારી જાળવવા માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે.











