લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં બનેલી ભયાનક અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલા કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓના મોત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમગ્ર મામલાની વિશેષ તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવાનો નિર્ણય લીધો હતો. SITને સાત દિવસની અંદર વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા એર કન્ડિશનરના કમ્પ્રેસરમાં થયેલો વિસ્ફોટ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. બંને તરફથી મૃતકોના પરિવારજનોને સાત-સાત લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પોલીસે બિલ્ડિંગના માલિક અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે FIR નોંધતા ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે અન્ય આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાની દરેક કડીને તપાસી રહી છે.
તપાસ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે કે વર્ષ 2016માં આ બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, અંતિમ તબક્કે આ કાર્યવાહી કેમ અટકાવવામાં આવી તે મુદ્દે પણ હવે SIT તપાસ કરશે. આ ઘટનાએ બિલ્ડિંગ સલામતી અને ફાયર સેફ્ટી નિયમોના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં જે કોઈ દોષિત સાબિત થશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે રાજ્યભરના કોચિંગ સેન્ટરો અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ થાય તેવી શક્યતા છે.











