રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મોસ્કોની રિફાઈનરીમાં ભીષણ આગ, તમામ એરપોર્ટ બંધ

મોસ્કો: યુક્રેન દ્વારા આ અઠવાડિયે બીજી વખત મોસ્કોની એક ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને કાળો ધુમાડો હવામાં ઊંચે સુધી દેખાયો હતો. સોશિયલ મીડિયા પર આ હુમલાના વીડિયો વાયરલ થયા બાદ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે આ હુમલો તાજેતરમાં કિવ (Kyiv) પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાનો “યોગ્ય જવાબ” હતો.

યુક્રેની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરો પર મહિનાઓનો સૌથી વિનાશક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ત્યાંના સાંસ્કૃતિક અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું હતું.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્વીટ (X) કરીને આપી માહિતી

નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કિવ-પેચેરસ્ક લાવરા મઠ સંકુલના એક ભાગ, ‘ડોર્મિશન કેથેડ્રલ’ પર રશિયાએ મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા.

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું:

“આ અમારા શહેરો અને સમુદાયો પરના રશિયન હુમલાઓનો સંપૂર્ણપણે ન્યાયી જવાબ છે. રશિયાના યુદ્ધના મશીનને જીવંત રાખતી સુવિધાઓ (રિફાઈનરી વગેરે) વિરુદ્ધ અમારા યોદ્ધાઓની કાર્યવાહીનું આ વધુ એક મહત્વપૂર્ણ પરિણામ છે.”

ઝેલેન્સ્કીએ વધુમાં ઉમેર્યું કે હવે રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે અને તેમણે પુતિનને વાટાઘાટો તેમજ ડિપ્લોમેસી (રાજદ્વારી) રસ્તો અપનાવવા અપીલ કરી હતી. યુક્રેને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જેને ‘ઓપરેશન સ્પાઈડર્સ વેબ’ પછીનો યુક્રેનનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.

રશિયામાં ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી

રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, રશિયાએ અલગ-અલગ વિસ્તારોમાં યુક્રેનના ઓછામાં ઓછા 555 ડ્રોન તોડી પાડ્યા છે અને મોસ્કો તરફ આગળ વધી રહેલા લગભગ 200 ડ્રોનને હવામાં જ અટકાવી દીધા છે. સુરક્ષાના ભાગરૂપે, રશિયાના પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે મોસ્કોના તમામ એરપોર્ટ — શેરેમેત્યેવો, ડોમોડેડોવો, વ્નુકોવો અને ઝુકોવ્સ્કી — પરથી તમામ ફ્લાઈટ્સ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

પુતિનની મહત્વની બેઠકના થોડા કલાકો પહેલા જ થયો હુમલો

રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનનો આ ડ્રોન હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કઝાન શહેરમાં એશિયાન (ASEAN) દેશોના નેતાઓની યજમાની કરી રહ્યા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ, મલેશિયા અને સિંગાપોરે તેમના વડાપ્રધાનોને મોકલ્યા છે, જ્યારે ફિલિપિન્સે તેના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસને મોકલ્યા છે.

બુધવારે રાત્રે એશિયાન દેશોના વડાઓ માટે આયોજિત એક સત્તાવાર સ્વાગત સમારોહમાં પુતિને કહ્યું હતું કે, રશિયા અને એશિયાન દેશો “મળીને એક ન્યાયી વિશ્વ વ્યવસ્થા બનાવવા, દેશોની સાર્વભૌમ સમાનતા અને આંતરિક બાબતોમાં દખલ ન કરવાના સિદ્ધાંતોની રક્ષા કરવાના પક્ષમાં છે.” કઝાનમાં યોજાઈ રહેલી આ બે દિવસીય સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા, યુક્રેન સાથેના ચાર વર્ષ લાંબા યુદ્ધ વચ્ચે પોતાની આર્થિક સ્થિરતા અને પ્રાદેશિક સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE