શિક્ષકો પર વિવાદિત ટિપ્પણી બદલ રાજ્યમંત્રી રમેશ કટારા બેકફૂટ પર: જાહેરમાં માફી માગી શબ્દો પાછા ખેંચ્યા

ગોધરામાં યોજાયેલા સત્તાવાર સરકારી કાર્યક્રમ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને તેમની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવનારા રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા આખરે વિવાદ વધતા બેકફૂટ પર આવ્યા છે. ચારેય તરફથી ઘેરાયા બાદ મંત્રીએ જાહેરમાં પોતાના નિવેદન અંગે ઘેરા ખેદની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, “મારાથી કાર્યક્રમમાં જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું અને મારા શબ્દો પાછા લઉં છું.” સરકારી મંત્રી દ્વારા આ પ્રકારે જાહેરમાં માફી માગવામાં આવતા જ પાછલા બે દિવસથી રાજ્યના શિક્ષણ જગત અને રાજકારણમાં ચાલી રહેલા ભારે ઘમસાણ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે.

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોને આડે હાથ લેતા ભારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, ૮મા અને ૧૦મા નાણાં પંચ સુધીના તમામ આર્થિક લાભો અને ઉચ્ચ પગાર મેળવ્યા પછી પણ શિક્ષકોની ભૂખ ભાગતી નથી અને તેઓ સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શનો કરતા રહે છે. આટલું જ નહીં, તેમણે શિક્ષકોની વ્યાવસાયિક નિષ્ઠા પર સીધા પ્રહારો કરતા એવું પણ ઉમેર્યું હતું કે, આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ રચ્યોપચ્યો રહે છે.

સરકારના જ એક જવાબદાર મંત્રી દ્વારા શૈક્ષણિક આલમની આ પ્રકારે સરેઆમ ટીકા કરાતા સમગ્ર રાજ્યના શિક્ષક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ મંત્રીના આ નિવેદનની વ્યાપક આલોચના થઈ હતી અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ચારેય તરફથી વધતા લોકરોષ અને પક્ષના મોવડીમંડળ તરફથી મળેલી કડક સૂચનાઓ બાદ, મંત્રીએ અંતે પોતાની ભૂલ સ્વીકારવી પડી છે. તેમણે શિક્ષક સમાજ પ્રત્યે આદર વ્યક્ત કરતા પોતાના વિવાદિત શબ્દો વિધિવત રીતે પાછા ખેંચી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE