અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં દાન તરીકે આવેલી કરોડો રૂપિયાની રકમમાં કથિત અનિયમિતતા અને હેરાફેરીનો મામલો હાલ દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ દળ (SIT) ની રચના કરી છે. આ વિશેષ સમિતિમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી વિજય વિશ્વાસ પંત, આઈપીએસ અધિકારી કિરણ એસ. અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ થાય છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની સત્તાવાર વિનંતી બાદ સરકારે આ પગલું ભર્યું છે અને આ એસઆઈટીની ટીમ સોમવારે જ અયોધ્યા પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કરી ચૂકી છે. અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠીએ જણાવ્યું છે કે, દાનની બાબતમાં જે પણ આક્ષેપો થયા છે તેના પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ તમામ તથ્યો સાર્વજનિક કરવામાં આવશે.
આ સમગ્ર રાજકીય વિવાદની શરૂઆત ગત ૭ જૂને થઈ હતી. જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર એક અત્યંત સંવેદનશીલ પોસ્ટ શેર કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિશ્વભરના રામભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન રામમંદિરમાં દાનમાં આવેલી કરોડોની રકમ ગાયબ થઈ ગઈ છે. જે મંદિર ટ્રસ્ટ માટે શરમજનક બાબત છે. અખિલેશ યાદવે છેલ્લા નવ દિવસમાં આ મુદ્દે સતત આઠ પોસ્ટ કરીને આંકડાના ક્રોસ-વેરિફિકેશન માટે સીસીટીવી ફૂટેજનો આધાર લેવાની અને ન્યાયાલય દ્વારા આ મામલે સ્વનિર્ણય (સુઓમોટો) લેવાની માંગ કરી છે. આ વિવાદમાં માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ સ્થાનિક ભાજપના નેતા રજનીશ સિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રામમંદિર નિર્માણ માટે એકત્રિત કરાયેલા સમર્પણ નિધિના ભંડોળની કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરાવવાની અપીલ કરી છે.
બીજી તરફ, વિપક્ષી દળોએ સરકારની એસઆઈટી તપાસ સામે અવિશ્વાસ દર્શાવીને મોરચો માંડ્યો છે. અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે એક પત્રકાર પરિષદ યોજીને આ ઘટનાને રાષ્ટ્રની સૌથી મોટી લૂંટ અને ધર્મની હાનિ ગણાવી છે. તેમણે માંગ કરી છે કે તપાસ પ્રક્રિયા નિષ્પક્ષ રહે તે માટે સૌપ્રથમ ટ્રસ્ટના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના પૂર્વ જજની દેખરેખ હેઠળ આખી તપાસ થાય. આ સાથે જ પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ પણ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, જ્યારથી આ ટ્રસ્ટ બન્યું છે ત્યારથી જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ પૂર્વે જમીન કૌભાંડ અને ત્યારબાદ દાનની રકમની ગણતરી કરતા ભૂતપૂર્વ એકાઉન્ટ્સ ઇન્ચાર્જ મહીપાલ સિંહે પણ પૈસાની ચોરી અંગે ચંપત રાય અને અનિલ મિશ્રાને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે મંદિરમાં સામાન્ય નોકરી કરનારા લોકો પાસે ગણતરીના વર્ષોમાં કરોડોની જમીનો અને પ્લોટ ક્યાંથી આવી ગયા? હાલમાં આ હાઈ પ્રોફાઈલ કેસનો રિપોર્ટ એસઆઈટી દ્વારા સીધો ઉત્તર પ્રદેશ શાસનને સોંપવામાં આવશે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
Post Views: 0











