અમેરિકી એરફોર્સનું પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અને અત્યંત શક્તિશાળી B-52 બોમ્બર વિમાન સોમવારે એક નિયમિત મિશન દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે. દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ આ વિમાન રનવે પર ક્રેશ થયું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧:૨૦ વાગ્યે સર્જાયેલી આ ભયંકર દુર્ઘટના બાદ વિમાનમાં જોરદાર આગ ફાટી નીકળી હતી અને ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા માઈલો દૂર સુધી હવામાં ઉડતા દેખાયા હતા. એરફોર્સ બેઝના સત્તાવાર અહેવાલ મુજબ, વિમાનમાં સવાર તમામ આઠ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
કર્નલ જેમ્સ હેયસે આ દુર્ઘટના અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર આજે એક અત્યંત ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં અમે આઠ ઉત્કૃષ્ટ અમેરિકન નાગરિકોને ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાંથી કોઈના પણ બચવાની કોઈ શક્યતા નહોતી. મૃતકોના ક્રૂમાં લશ્કરી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે. કર્નલે વધુમાં ઉમેર્યું કે, આ બોમ્બર વિમાન બેઝના રડાર આધુનિકીકરણ કાર્યક્રમની ટ્રાયલમાં મદદ કરી રહ્યું હતું. હાલ પૂરતું અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.જેનો આખરી રિપોર્ટ આવતા ૬ મહિના જેટલો સમય લાગી શકે છે. આ ઘટનાને પગલે હાલ એરફોર્સ બેઝ પર તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, B-52 બોમ્બર અમેરિકી એરફોર્સના કાફલાનું સૌથી જૂનું અને ભરોસાપાત્ર વિમાન માનવામાં આવે છે.જે સૌપ્રથમ ૧૯૫૫ માં સેવામાં સામેલ કરાયું હતું. સામાન્ય રીતે પાંચ ક્રૂ મેમ્બર્સની ક્ષમતા ધરાવતું આ લાંબા અંતરનું ભારે બોમ્બર વિમાન આશરે ૭૦,૦૦૦ પાઉન્ડ સુધીના બોમ્બ અને ઘાતક શસ્ત્રો વહન કરી શકે છે. યુએસ એરફોર્સ હાલમાં તેના આધુનિક B-52H મોડેલનો ઉપયોગ કરે છે. જે પરમાણુ બોમ્બ અને પરમાણુ સશસ્ત્ર ક્રુઝ મિસાઇલોથી સજ્જ થઈને હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. શીત યુદ્ધ (Cold War) દરમિયાન અમેરિકાને પરમાણુ કવચ પૂરું પાડનાર આ વિમાન મધ્ય-હવામાં જ ઈંધણ ભરી શકતું હોવાથી તેની સ્ટ્રાઈક રેન્જ અમર્યાદિત બની જાય છે. હાલ યુએસ એરફોર્સ પાસે આવા ૭૬ વિમાનો છે. જે ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે અને તાજેતરમાં જ ઈરાન સામેના સૈન્ય સંઘર્ષ દરમિયાન બોમ્બમારાના મહત્વપૂર્ણ મિશનોમાં પણ આ વિમાનોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Post Views: 0











