જેતલસર જંકશન લોબી વિવાદ ફરી ગરમાયો: ધારાસભ્ય જયેશ રાદડિયાનું રેલવેને ૧૦ દિવસનું અલ્ટીમેટમ

લોકો લોબી અને બ્રેકડાઉનની કામગીરી અન્યત્ર ખસેડાતા ગ્રામજનોમાં ભારોભાર રોષ: ૭૨ કર્મચારીઓની બદલી રદ કરવા માંગ, રેલવે જી.એમ.ને અપાયું આવેદન

રાજકોટ જિલ્લના ઐતિહાસિક જેતલસર જંકશન ખાતે રેલવે સંબંધિત પ્રશ્નો ફરી એકવાર સપાટી પર આવ્યા છે. જેતલસર જંકશન ખાતેથી લોકો લોબી અને બ્રેકડાઉન સહિતની મહત્વની કામગીરી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક ગ્રામજનો અને રેલવે બચાવ સમિતિમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે જેતલસર ખાતે પધારેલા રેલવેના જી.એમ. રામાશ્રય પાંડેને આગેવાનો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના જી.એમ. સમક્ષ લાલ આંખ કરતા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી ૧૦ દિવસની અંદર આ પ્રશ્નનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. એટલું જ નહીં, જો જરૂર પડશે તો ગ્રામજનો સાથે મળીને ‘ટ્રેન રોકો’ આંદોલન કરતા પણ અચકાશે નહીં.

રજૂઆતમાં મુખ્યત્વે લોકો પાયલટ અને ટ્રેન મેનેજર (રનિંગ સ્ટાફ) સહિતના કુલ ૭૨ જેટલા કર્મચારીઓની તાજેતરમાં કરાયેલી બદલીઓ રદ કરી, તમામ સ્ટાફને પરત જેતલસર જંકશન ખાતે જ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રેલવે સ્ટાફની સતત થઈ રહેલી બદલીઓથી જેતલસર ગામની આર્થિક સ્થિતિ પર ગંભીર માઠી અસર પડી રહી છે અને જો આવું જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં ગામ પડી ભાંગે તેવી ભીતિ સર્જાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રેલવેના આ કથિત અન્યાય સામે જેતલસર ગ્રામજનો અને રેલવે બચાવ સમિતિ દ્વારા ધરણા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને સાથે રાખીને એક પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે રેલવે મંત્રીને મળ્યું હતું. દિલ્હીમાં રેલવે મંત્રી દ્વારા પ્રશ્ન હલ કરવાનું આશ્વાસન અપાતા તે સમયે આંદોલન સ્થગિત કરી દેવાયું હતું. જોકે, લાંબા સમય બાદ પણ કોઈ કાયમી ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોને ફરીથી મેદાને ઉતરવાની ફરજ પડી છે.

બીજી તરફ, ગ્રામજનો અને ધારાસભ્યની ઉગ્ર રજૂઆત બાદ રેલવે જી.એમ. રામાશ્રય પાંડેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જેતલસરની લોબી કાયમ માટે બંધ કરવામાં આવી નથી, માત્ર સ્ટાફમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેલવે તંત્રમાં સમય અને જરૂરિયાત મુજબ કેટલાક વહીવટી તેમજ પ્રશાસનિક નિર્ણયો લેવામાં આવતા હોય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, રેલવે મંત્રીનો પણ સ્પષ્ટ આદેશ છે કે જેતલસરની લોબી બંધ કરવામાં નહીં આવે. બદલી કરાયેલા સ્ટાફને પરત લાવવા અંગે અને સ્ટાફ વધારાના મુદ્દે ઉચ્ચ સ્તરે વિચારણા કરવામાં આવશે. જે પણ નિર્ણય લેવાશે તે રેલવે તેમજ સ્ટાફના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જ લેવાશે.

હવે ધારાસભ્ય દ્વારા અપાયેલા 10 દિવસના અલ્ટીમેટમ બાદ રેલવે તંત્ર શું પગલાં લે છે અને પ્રશ્નનો ઉકેલ આવે છે કે પછી પંથકમાં આંદોલનના મંડાણ થશે, તેના પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE