કેશોદના વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં ઉઠ્યા પ્રોક્ષીરાજના સવાલો!
મીડિયા સામે આવ્યા વગર જ નીકળી ગયા અધ્યક્ષ!
ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ બદલે પરવારજનો નિર્ણય લઇ રહ્યા છે!
કેશોદના ટાઉન હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ ચર્ચાનો વિષય બન્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ કેશોદમાં ચાલી રહેલા કથિત “પ્રોક્ષી રાજ” અંગે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે તે પહેલાં જ કાર્યક્રમના અધ્યક્ષ ડો.પ્રદ્યુમન વાજા આશરે 30 મિનિટ સુધી ફોટોસેશન અને બંધબારણે બેઠકમાં વ્યસ્ત રહ્યા હતા.ત્યારબાદ તેઓ મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વિના સ્થળ છોડીને નીકળી ગયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચુંટાયેલા મહિલા પ્રતિનિધિઓની જગ્યાએ પરિવારજનો ચલાવતા હોવાના આક્ષેપો થઇ રહ્યા ત્યારે કેશોદ નગરપાલિકા,તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની જગ્યાએ તેમના પરિવારના સભ્યો દ્વારા સત્તાનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે.એક જ મહિલા પ્રતિનિધિના નામે ત્રણ-ત્રણ પુરુષ પ્રતિનિધિઓ વહીવટી નિર્ણયો લેતા હોવાના મુદ્દે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જોવા મળી રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો મીડિયા સમક્ષ આ મુદ્દે સવાલો ઉઠે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ હોવાથી જવાબદારો જાહેરમાં સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે.આ કાર્યક્રમમાં આ મુદ્દે સવાલો સામે આવે તેમ હોવાને કારણે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડો. પ્રદ્યુમન વાજાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યા વિના જ ચાલ્યા ગયા હતા.
જ્યારે બીજા મુદ્દા પ્રમાણે પ્રધાનમંત્રીના સંદેશ મુજબ ઇંધણ બચત અને જનજાગૃતિના હેતુથી બસમાં મુસાફરી કરી “પ્રગતિ પથ યાત્રા” કાઢવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.જોકે સ્થાનિક લોકોમાં એવી ચર્ચા જોવા મળી કે બસ પાછળ નેતાઓના કાફલાની અનેક ફોરવ્હીલ ગાડીઓ ખાલી દોડી રહી હતી.જેના કારણે “ઇંધણ બચતનો હેતુ ક્યાં પૂર્ણ થયો?” તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે.
આમ લોકોમાં આ બાબતે અનેક સવાલો પુછાઈ રહ્યા છે.જેમાં શું કેશોદમાં ખરેખર પ્રોક્ષી રાજ ચાલી રહ્યું છે?ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે નિર્ણય લે છે કે પરિવારજનો?મીડિયા સામે આવ્યા વગર કાર્યક્રમ અધ્યક્ષ કેમ નીકળી ગયા?પ્રગતિ પથયાત્રા પાછળ ઇંધણ બચતનો દાવો કેટલો સાચો?આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર અને સંબંધિત આગેવાનો તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે.











