ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે વોર્ડ નં. 3 અને 8 માટે નવી ગટર લાઇનનું ખાતમુહૂર્ત સંપન્ન

જેસર રોડ, સરદાર પટેલ સોસાયટી ખાતે કરોડોના વિકાસકાર્યનો પ્રારંભ

ચોમાસા પહેલા સ્થાનિક રહીશોને ગંદકી અને રોગચાળામાંથી મુક્તિ આપતો મહત્વપૂર્ણ નિર્ણય

નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સતત અને સક્રિય પ્રયાસોથી સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૩ અને ૮ ના નાગરિકો માટે વર્ષોથી માથાનો દુખાવો બનેલી ગટર લાઇનની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ તરફ આજે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. શહેરના જેસર રોડ સ્થિત સરદાર પટેલ સોસાયટી ખાતે નવી આધુનિક ગટર લાઇનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું.

૧૫ વર્ષની હાડમારીનો આવશે અંત

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા અંદાજે ૧૫ વર્ષથી ગટર વ્યવસ્થાની ભારે વિકટ સમસ્યા હતી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓને વારંવાર ગટર ઉભરાવા, દુર્ગંધ, ગંદકી અને તેના લીધે ફેલાતા સ્વાસ્થ્ય સંબંધિત રોગોનો સામનો કરવો પડતો હતો. ચોમાસા દરમિયાન તો અહીં સ્થિતિ વધુ વણસતી હતી. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈ, અંગત રસ દાખવીને વહીવટી મંજૂરીઓ અપાવી આ મહત્વપૂર્ણ લોકપ્રશ્નનો કાયમી ઉકેલ લાવી દીધો છે.

સ્વચ્છતા અને સુવિધાને મળશે નવી ગતિ

આ નવી ગટર લાઇનનું કાર્ય પૂર્ણ થતાં જ વોર્ડ નં. ૩ અને ૮ ના સેંકડો પરિવારોને સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળશે. આગામી ચોમાસામાં પાણી ભરાવાની કે ગટર ઉભરાવાની સમસ્યા નહિ રહે, જેથી સ્થાનિકોના આરોગ્યની સ્થિતિમાં મોટો સુધારો થશે. આ વિકાસ કાર્ય વિસ્તારના સર્વાંગી વિકાસને એક નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે.

લોકનેતાનો સંકલ્પ:

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “નાગરિકોની પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટરની વ્યવસ્થા સુદ્રઢ કરવી એ અમારી પ્રાથમિકતા છે. વર્ષો જૂની આ સમસ્યાનો અંત લાવીને આજે મને આ વિસ્તારના ભાઈ-બહેનોના ચહેરા પર ખુશી જોવાનો આનંદ છે. સાવરકુંડલાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા અમે કટિબદ્ધ છીએ.”

ભવ્ય કાર્યક્રમમાં આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

ખાતમુહૂર્તના આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન સંગઠનના વિવિધ હોદ્દેદારો, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તમામ વોર્ડના સભ્યશ્રીઓ, વિવિધ સેલ અને મોરચાના પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો, બુથ કાર્યકરો તેમજ વિસ્તારના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષો જૂની હાડમારીમાંથી મુક્તિ અપાવવા બદલ સમગ્ર સોસાયટી અને વોર્ડના રહીશોએ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને નગરપાલિકાની ટીમનો હૃદયપૂર્વક આભાર માની આતશબાજી સાથે વિકાસ કાર્યને આવકાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE