બનાસકાંઠા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાંથી તબીબી જગતને ગૌરવ અપાવતો એક અદભુત કિસ્સો સામે આવ્યો છે. ગરદનના ભાગે કરોડરજ્જુ પર અસહ્ય દબાણના કારણે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલા એક ૫૦ વર્ષીય આધેડ દર્દીને સિવિલના નિષ્ણાત તબીબોએ આધુનિક ટેકનોલોજીના સહારે જટિલ ઓપરેશન પાર પાડીને નવું જીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલોના લાખો રૂપિયાના ખર્ચ સામે બનાસ સિવિલમાં આ મોંઘી સારવાર તદ્દન વિનામૂલ્યે પૂરી પાડીને માનવતાની મહેક પ્રસરાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામના વતની ૫૦ વર્ષીય બાબુભાઈ છેલ્લા એક વર્ષથી ગંભીર શારીરિક પીડા ભોગવી રહ્યા હતા. તેમને ચાલવામાં, ઊઠવા-બેસવામાં તેમજ રોજિંદી ક્રિયાઓ કરવામાં અસહ્ય તકલીફ પડતી હતી. હાથ-પગમાં સતત થતી ઝણઝણાટી અને અસહ્ય દુખાવાને લીધે તેમનું જીવવું દુષ્કર બન્યું હતું. પરિવારે અનેક નામાંકિત ખાનગી હોસ્પિટલોના ઉંબરા ઘસીને મોંઘીદાટ દવાઓ કરાવી હતી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. અંતે આશા ગુમાવી ચૂકેલા પરિવારજનો તેમને બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. અહીં ઓર્થોપેડિક વિભાગના સ્પાઇન સર્જન્સ દ્વારા દર્દીના MRI, CT સ્કેન અને બ્લડ રિપોર્ટ સહિતની ઝીણવટભરી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તેઓ ‘સર્વાઇકલ માયલોપથી’ (Cervical Myelopathy) નામની અત્યંત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.
તબીબોના જણાવ્યા મુજબ, આ વ્યાધિમાં ગરદનના ભાગેથી પસાર થતી મુખ્ય કરોડરજ્જુ (Spinal Cord) પર નસોનું ભારે દબાણ આવી જાય છે, જેના કારણે અંગોની ચેતના અને શક્તિ ધીમે-ધીમે ક્ષીણ થવા લાગે છે. દર્દી બાબુભાઈની હાલત એટલી નાજુક હતી કે તેઓ કોઈના સહારા વિના ઊભા રહેવા પણ સક્ષમ નહોતા. આ પડકારજનક ઓપરેશન માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સ્પાઇન સર્જન ડૉ. ધવલ, ડૉ. નવેન્દુ અને ડૉ. નરેશની વિશેષ ટીમ એક્શનમાં આવી હતી. તબીબોએ આ સર્જરીમાં ઉત્તર ગુજરાતમાં ક્વચિત જ વપરાતી અદ્યતન ‘અલ્ટ્રાસોનિક બોન સ્કેલ્પેલ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેકનોલોજીની મુખ્ય વિશેષતા એ છે કે તે આસપાસની અતિ નાજુક નસો કે કરોડરજ્જુને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના માત્ર નડતરરૂપ નકામા હાડકાને જ અત્યંત ચોકસાઈપૂર્વક કાપીને દૂર કરે છે, જેથી ઓપરેશન ૧૦૦% સુરક્ષિત રહે છે.
એનેસ્થેસિયા વિભાગના ડૉ. રિદ્ધિ, ડૉ. શ્રેયા અને ડૉ. કૌશલ્યાની કુશળ દેખરેખ વચ્ચે આ જટિલ સર્જરી માત્ર એક કલાકની ભારે જહેમતના અંતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. તબીબોની આ મહેનતનો ચમત્કાર ઓપરેશનના બીજા જ દિવસે જોવા મળ્યો, જ્યારે મહિનાઓથી પલંગવશ બાબુભાઈ કોઈ પણ લાકડી કે વ્યક્તિના ટેકા વિના હોસ્પિટલના વોર્ડમાં સ્ફૂર્તિથી ચાલતા થઈ ગયા હતા. માત્ર બે જ દિવસમાં તેમના હાથ-પગની વર્ષો જૂની નબળાઈ અને ઝણઝણાટી ગાયબ થઈ ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં ખાનગી જેવી સુવિધા અને અનુભવી તબીબોના સચોટ નિદાનથી પોતાના સ્વજનને ફરીથી ચાલતા જોઈને પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. હોસ્પિટલમાં કુલ દસ દિવસના રોકાણ અને ઓપરેશનના પાંચમા દિવસે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી. વિદાય વેળાએ પરિવારે બનાસ સિવિલના દેવદૂત સમાન તબીબો અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Post Views: 0











