ગોંડલ નગરપાલિકાના જન્માષ્ટમી લોકમેળામાં રૂ.24.53 લાખના કથિત કૌભાંડનો વિસ્ફોટ

ગોંડલ નગરપાલિકા દ્વારા વર્ષ 2025 દરમિયાન આયોજિત જન્માષ્ટમી લોકમેળાના ખર્ચમાં રૂ.24,53,542ની કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે એડવોકેટ દિનેશભાઈ પાલાભાઈ પાતરે એન્ટી કરપ્શન બ્યુરો (ACB), અમદાવાદ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવતા ગોંડલના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લોકમેળાના આયોજનના નામે પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી પૂર્વ ધારાસભ્ય તથા તેમના પરિવારના રાજકીય પ્રચાર માટે સરકારી ખર્ચે શહેરભરમાં હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત, લોકમેળા સમિતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓના પરિવારજનોને નિયમો વિરુદ્ધ ચૂકવણીઓ કરીને સગાવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ મેળવાયેલા સત્તાવાર દસ્તાવેજોના આધારે ફરિયાદમાં જણાવાયું છે કે અનેક ખર્ચના બિલોમાં તારીખ, સહી તથા જરૂરી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. કેટલાક બિલોમાં નાણાં પ્રાપ્ત કરનાર વ્યક્તિની એકસરખી સહીઓ હોવાનું પણ ધ્યાન પર આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે બોગસ બિલો ઉભા કરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

એડવોકેટ દિનેશભાઈ પાતરે જણાવ્યું છે કે અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતે લોકમેળા પાછળ અસામાન્ય અને શંકાસ્પદ ખર્ચ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જવાબદાર હોદ્દેદારો, તત્કાલીન પદાધિકારીઓ તથા સંબંધિત અધિકારીઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદ સાથે RTI હેઠળ મેળવાયેલા દસ્તાવેજો, ખર્ચના બિલો, વાઉચરો તેમજ ડિજિટલ લોકેશન સાથેના હોર્ડિંગ્સના ફોટોગ્રાફ્સ સહિત કુલ 29 જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

હવે સમગ્ર શહેરની નજર ACB તથા સંબંધિત તપાસ એજન્સીઓની કાર્યવાહી પર મંડાઈ છે. જો ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો તપાસમાં સાચા સાબિત થાય તો આ મામલો ગોંડલ નગરપાલિકાના ઇતિહાસના સૌથી મોટા નાણાકીય કૌભાંડો પૈકીનો એક બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE