“રાજકોટથી MP લઈ જવાતી વખતે ચિલોડાની હોટલમાં લોહીયાળ ડ્રામા: પ્રેમિકાની હત્યા કરી પ્રેમી મરણતોલ હાલતમાં સિવિલમાં દાખલ”

ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ નજીક હાઇવે પરની ‘રોયલ ફોર્ટ’ હોટલમાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા પ્રેમી પંખીડાનો અહી કરુણ અને લોહીયાળ અંત આવ્યો છે. એક જ રૂમમાં સૂતેલા પોલીસ જવાનો અને પરિવારજનોની નજર ચૂકવીને ઉન્મત્ત બનેલા પ્રેમીએ પોતાની 21 વર્ષીય પ્રેમિકાની ચપ્પા વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ પોતાની જિંદગી ટૂંકાવવા માટે પોતાના ગળા પર પણ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. આ સનસનાટીભરી વારદાતને પગલે ગાંધીનગર અને ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો :

ગાંધીનગરમાં કોરોનાની રી-એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલા મહિલા સંક્રમિત, તંત્ર એલર્ટ

પોલીસના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશના વતની 21 વર્ષીય રજની બ્રજલાલ ધાકડ અને ૨૪ વર્ષીય સંતોષ ઉધમ જાટવ વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તેઓ થોડા દિવસો પૂર્વે પોતાના ઘરેથી ભાગીને ગુજરાતના રાજકોટ આવી છુપાયા હતા. આ અંગે મધ્યપ્રદેશમાં પ્રેમિકાના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવતા ત્યાંની પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે બંનેનું લોકેશન રાજકોટ ટ્રેસ કર્યું હતું. દીકરીને હેમખેમ પરત લાવવા માટે મધ્યપ્રદેશ પોલીસના બે જમાદારો અને યુવતીના પરિવારના બે સગા ભાઈઓ રાજકોટ પહોંચ્યા હતા અને બંનેનો કબ્જો મેળવી ખાનગી વાહન દ્વારા વાયા ગાંધીનગર થઈ મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા.

રાજકોટથી નીકળ્યા બાદ સતત ડ્રાઇવિંગ અને લાંબી મુસાફરીના કારણે પોલીસ જવાનો તેમજ પરિવારના સભ્યો ભારે થાકી ગયા હોવાથી, તેમણે રાત્રિ રોકાણ માટે ચિલોડા-હિંમતનગર હાઇવે પર ધણપ નજીક આવેલી રોયલ ફોર્ટ હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હોટલના એક જ રૂમમાં બંને પોલીસ કર્મચારીઓ અને યુવતીના ભાઈઓ આ પ્રેમી પંખીડા સાથે જ રોકાયા હતા અને બંનેને અલગ-અલગ સુવડાવ્યા હતા. જોકે, થાકના કારણે મોડી રાત્રે પોલીસ અને સગા ઓ ઘસઘસાટ ઊંઘી ગયા હતા. જેનો ફાયદો ઉઠાવીને પ્રેમી સંતોષે રાત્રિના અંધકારમાં પ્રેમિકા રજનીને પોતાના ખોળામાં સુવડાવી અત્યંત ઠંડા કલેજે ચપ્પા વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. પ્રેમિકા ઢળી પડતાં જ તેણે પોતાના ગળા પર પણ આ જ ચપ્પા વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

રાત્રે આશરે બે વાગ્યે રૂમમાં લોહીની છોળો વચ્ચે તરફડિયાં મારવાનો અવાજ આવતાં એક પોલીસ જવાન સફાળો જાગી ગયો હતો અને રૂમનો બિહામણો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. હોટલ રૂમમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને યુવતીનો મૃતદેહ પડ્યો હતો. ઘટનાની તુરંત જાણ કરાતા ચિલોડા પોલીસ લાઇન હોટલ પર પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી સંતોષને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં ખસેડ્યો હતો. જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ ચિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી, હોટલના સીસીટીવી ફૂટેજ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE