દાહોદના સારમારિયા ગામે ભયાનક આગમાં ૪ ભાઈઓનો સંયુક્ત પરિવાર નિરાધાર: આપ નેતા અનિલ ગરાસિયાએ મુલાકાત લઈ સરકારી સહાયની કરી માંગ

દાહોદ જિલ્લાના લીમડી (ગુરુ ગોવિંદ) તાલુકાના સારમારિયા ગામે ગત અઠવાડિયે અડધી રાત્રે સર્જાયેલા અગ્નિકાંડમાં એક શ્રમિક પરિવારની આખી જિંદગીની મૂડી બળીને ખાખ થઈ ગઈ છે. અચાનક ફાટી નીકળેલી વિકરાળ આગમાં ચાર સગા ભાઈઓના સંયુક્ત પરિવારની તમામ ઘરવખરી, અનાજ અને પશુઓનો ઘાસચારો બળી જતાં ૨૧ સભ્યો ધરાવતો આ ગરીબ પરિવાર ખુલ્લા આભ નીચે આવી ગયો છે. આપત્તિના આ સમયે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા અનિલભાઈ ગરાસિયાએ પ્રભાવિત પરિવારની રૂબરૂ મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને વહીવટી તંત્ર સમક્ષ તાકીદે આર્થિક સહાય ચૂકવવાની ઉગ્ર રજૂઆત કરી છે.

મળતી માહિતી મુજબ, સારમારિયા ગામે સામાન્ય મજૂરી કરીને પેટિયું રળતા ચાર ભાઈઓ—પરેશભાઈ હરસિંગભાઈ ભુરીયા, સુરેશભાઈ હરસિંગભાઈ ભુરીયા, પ્રવિણભાઇ હરસિંગભાઈ ભુરીયા અને રમેશભાઈ હરસિંગભાઈ ભુરીયા—પોતાના ૨૧ સભ્યોના મોટા સંયુક્ત પરિવાર સાથે રહે છે. આશરે એક સપ્તાહ અગાઉ રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં જ્યારે આખો પરિવાર ઘોર નિદ્રામાં હતો, ત્યારે અચાનક ઘરમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે પરિવારને બહાર નીકળવા સિવાય કોઈ તક મળી નહોતી. આ દુર્ઘટનામાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, ઘરના મહત્વના દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) તેમજ વર્ષભરનું અનાજ બળીને રાખ થઈ ગયું છે.

ઘટનાને દિવસો વીતી ગયા હોવા છતાં, સરકારી તંત્રની ઉદાસીનતા સામે પીડિત પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આપ નેતા અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા નુકસાનીનો પ્રાથમિક સર્વે તો કરી લેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી આ નિરાધાર પરિવારને કોઈ પણ પ્રકારની રોકડ કે આર્થિક સહાય મળી નથી. ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે રહેવાનું છાપરું પણ ગુમાવી ચૂકેલા આ શ્રમિકોને જો સરકાર ત્વરિત વળતર નહીં ચૂકવે, તો તેમની મુશ્કેલીઓ બેવડાઈ જશે. તેમણે તંત્રને ચીમકી આપી છે કે ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

રિપોર્ટર: યાસીર ગુડાલા, દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE