સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: પોતાની મરજીથી સેક્સ વર્ક કરનારી મહિલાઓ ગુનેગાર નથી, કાયદાના નામે બળજબરી હવે નહીં ચાલે!

દેશમાં સેક્સ વર્કર્સના અધિકારો અને કાયદાકીય સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નવો ઈતિહાસ રચતો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આશરે ૭૦ વર્ષ જૂના કાયદાની આધુનિક અને માનવીય પરિપ્રેક્ષ્યમાં વ્યાખ્યા કરતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પુખ્ત વયની મહિલા પોતાની મરજીથી, આજીવિકા મેળવવા માટે એકલી દેહવ્યાપાર કરે છે તો તે ગુનો નથી.

એકલી મહિલાનું ઘર ‘બ્રોથલ’ (કોઠો) નથી: સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ’ (ITPA), 1956નું બારીકાઈથી વિશ્લેષણ કરીને ૨૯૮ પાનાનો વિસ્તૃત ચુકાદો આપ્યો છે. અદાલતે ચુકાદામાં નોંધ્યું કે:

  • જો કોઈ મહિલા માત્ર પોતાના ગુજરાન માટે પોતાના અંગત રહેઠાણ પર એકલી આ પ્રવૃત્તિ કરે છે, તો તેના ઘરને કાયદાકીય રીતે ‘બ્રોથલ’ (કોઠો) ગણી શકાય નહીં.

  • જો તે જગ્યા પર અન્ય કોઈ સેક્સ વર્કર કે કોઈ વચેટિયો (દલાલ) સામેલ ન હોય, તો પોલીસ માત્ર આ શંકાના આધારે ત્યાં દરોડા પાડી શકતી નથી કે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકતી નથી.

  • કાયદાનો અસલી હેતુ દેહવ્યાપારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નથી, પરંતુ તેના વ્યાપારીકરણ, માનવ તસ્કરી (ટ્રાફિકિંગ) અને સંગઠિત માફિયાઓ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર ધંધાઓ પર રોક લગાવવાનો છે.

માત્ર જાહેર સ્થળો પર ગ્રાહકો શોધવા એ જ ગુનો

કોર્ટે આ કાયદાની કલમ ૭ અને ૮ નો હવાલો આપીને સ્પષ્ટતા કરી છે કે:

“જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો કે રસ્તાઓની આસપાસ ખુલ્લેઆમ ગ્રાહકોને આકર્ષવા, ઈશારા કરવા કે દેહવ્યાપારનું પ્રદર્શન કરવું એ જ આ કાયદા હેઠળ દંડનીય અપરાધ છે, કારણ કે તે જાહેર શિષ્ટાચાર અને સામાજિક નૈતિકતાને નુકસાન પહોંચાડે છે. પરંતુ, ખાનગી દાયરામાં (ચાર દીવાલોની અંદર) પોતાની મરજીથી જીવનનિર્વાહ માટે આવું કરનારી એકલ મહિલા પર આ કાયદો લાગુ પડતો નથી.”

પોલીસ અને મેજિસ્ટ્રેટ માટે કડક આદેશ: બળજબરીથી ‘રેસ્ક્યૂ’ બંધ કરો

સુપ્રીમ કોર્ટે પીડિત સુરક્ષા યોજના હેઠળ મેજિસ્ટ્રેટ અને પોલીસ પ્રશાસનને અત્યંત કડક દિશાનિર્દેશો આપ્યા છે:

  1. પહેલા તપાસ કરો, સીધી કાર્યવાહી નહીં: જ્યારે પણ કોઈ શંકાસ્પદ સ્થળ પર દરોડા પાડવામાં આવે, ત્યારે ત્યાં હાજર દરેક મહિલાને ગુનેગાર કે પીડિત તરીકે ન જોવી જોઈએ.

  2. સંમતિ અને ઉંમરની ચકાસણી: મેજિસ્ટ્રેટે સૌથી પહેલા એ નક્કી કરવું પડશે કે મહિલા પુખ્ત વયની છે કે નહીં અને તે પોતાની મરજીથી આ કામ કરે છે કે કેમ?

  3. સુધારગૃહના નામે બંધક ન બનાવી શકાય: અદાલતે સાફ શબ્દોમાં કહ્યું કે જે પુખ્ત મહિલાઓ સ્વેચ્છાએ આ વ્યવસાયમાં છે, તેમને ‘રેસ્ક્યૂ’ કરવાના નામે તેમની ઈચ્છા વિરુદ્ધ લાંબા સમય સુધી સુધારગૃહ કે શેલ્ટર હોમ્સમાં બંધ રાખી શકાય નહીં.

  4. અધિકાર થોપી શકાય નહીં: સરકારને પુનર્વસનની સુવિધાઓ આપવાનો ચોક્કસ અધિકાર છે, પરંતુ કોઈ પણ નાગરિક પર તેની ઈચ્છા વિરુદ્ધ આ સુવિધા થોપી શકાય નહીં, કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE