સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી (IAS) દ્વારા જાહેર હિત અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને નાયબ મામલતદાર સંવર્ગના કુલ ૯૬ કર્મચારીઓની આંતરિક બદલી અને નવી નિયુક્તિના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લા મહેકમ શાખા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ, વિવિધ તાલુકા કચેરીઓ, પ્રાંત કચેરીઓ તથા કલેક્ટર કચેરીની મહત્વની શાખાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જિલ્લામાં વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
કલેક્ટર કચેરીના આદેશ અનુસાર તમામ બદલી પામેલા કર્મચારીઓને તા. ૧ જૂન, ૨૦૨૬ના રોજ કચેરી સમય પૂર્ણ થયા બાદ હાલની ફરજમાંથી મુક્ત ગણવામાં આવ્યા છે. સાથે જ કોઈપણ પ્રકારનો જોઈનિંગ ટાઈમ ભોગવ્યા વિના નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
આ ફેરબદલમાં મહેસુલ, જમીન સુધારણા, પુરવઠા, ચૂંટણી, પી.એમ. પોષણ યોજના, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, લેન્ડ ગ્રેબિંગ શાખા તથા ઈ-ધરા કેન્દ્ર સહિતની વિવિધ શાખાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત વઢવાણ, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, થાનગઢ, મૂળી, સાયલા અને ચુડા તાલુકા મથકો વચ્ચે પણ વ્યાપક બદલીઓ અમલમાં મુકાઈ છે.
મુખ્ય બદલીઓમાં એન.એલ. મકવાણાની કલેક્ટર કચેરીમાંથી સુરેન્દ્રનગર શહેર મામલતદાર કચેરી ખાતે મહેસુલ શાખામાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જે.બી. ભટ્ટીને સુરેન્દ્રનગર શહેરમાંથી કલેક્ટર કચેરીમાં MAG શાખામાં મુકવામાં આવ્યા છે. એમ.જે. ભટ્ટને પ્રાંત કચેરી વઢવાણ ખાતે નવી મંજૂર થયેલી હંગામી જગ્યા પર MAG-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગ શાખાના આર.જી. વઢેર અને ડી.એ. લીંબડ સહિતના અધિકારીઓની પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા ખાલી પડતી જગ્યાઓ પર કામગીરી પ્રભાવિત ન થાય તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને આંતરિક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં એકસાથે ૯૬ નાયબ મામલતદારોની બદલીને વહીવટી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ કાર્યરત કર્મચારીઓની બદલીઓથી તંત્રમાં નવી કાર્યસંસ્કૃતિ અને કાર્યક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Post Views: 23










