દાહોદ જિલ્લાના ફતેપુરા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી કાળજાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી ત્રસ્ત લોકો માટે ગત મોડી રાત્રે કુદરતે રાહતના શ્વાસ આપ્યા છે. જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશી વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. મોડી રાત્રે શરૂ થયેલો અવિરત વરસાદ લાંબા સમય સુધી વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
તાપમાનનો પારો ઊંચો રહેવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે રસ્તાઓ પર સન્નાટો જોવા મળતો હતો. ગરમી અને અસહ્ય બફારામાં શેકાઈ રહેલા નગરજનો માટે આ આકસ્મિક વરસાદ ‘અમૃત’ સમાન સાબિત થયો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકોએ લાંબા સમય બાદ શીતલ રાત્રિનો અનુભવ કર્યો હતો અને ગરમીથી મોટી રાહત મેળવી હતી.
ખેડૂતોમાં આનંદની હેલી:
હવામાનમાં આવેલા આ પલટાને કારણે ફતેપુરા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉનાળુ પાક તેમજ આગામી ખરીફ સીઝનની તૈયારીઓ કરી રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
વરસાદને પગલે પંથકના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ વાતાવરણમાં આવો જ ફેરફાર જોવા મળી શકે છે.
રીપોર્ટર: યાસીર ગુડાલા, ફતેપુરા
Post Views: 59










