ઐતિહાસિક ચુકાદો: ધારની ભોજશાળાને હાઈકોર્ટે ‘વાગ્દેવી મંદિર’ જાહેર કર્યું, હિન્દુ પક્ષને મળ્યો પૂજાનો સંપૂર્ણ અધિકાર

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ધાર જિલ્લામાં આવેલી વિવાદાસ્પદ ભોજશાળા અંગે આજે યુગપ્રવર્તક ચુકાદો આપતા આ સ્થળને સ્પષ્ટપણે હિન્દુ મંદિર જાહેર કર્યું છે. જસ્ટિસ ધર્મદત્ત વર્મા અને જસ્ટિસ વિજય કુમાર શુક્લની ખંડપીઠે જણાવ્યું હતું કે, ઉપલબ્ધ પુરાતત્વીય પુરાવાઓ અને ઐતિહાસિક દસ્તાવેજો એ વાતની પુષ્ટિ કરે છે કે, ભોજશાળા એ પરમાર વંશના રાજા ભોજ દ્વારા સ્થાપિત સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર અને દેવી સરસ્વતીનું પવિત્ર ધામ હતું. કોર્ટે અવલોકન કર્યું કે, આ સ્થળ પર હિન્દુ પૂજા-અર્ચનાની પરંપરા ક્યારેય ખંડિત થઈ નથી. તેથી હિન્દુ પક્ષની નિયમિત પૂજાની માંગને સંપૂર્ણપણે સ્વીકારવામાં આવે છે. આ નિર્ણય સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીઓને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે, હવે ત્યાં માત્ર હિન્દુ રીતિ-રિવાજ મુજબ જ ધાર્મિક વિધિઓ થશે.

આ પણ વાંચો…

ભારત-UAE વચ્ચે રક્ષણ, તેલ અને $5 બિલિયનના રોકાણ સહિતના મહત્વના કરાર: PM મોદીએ કહ્યું- ‘UAE મારું બીજું ઘર’

કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના 2000 પાનાથી વધુના વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટને મુખ્ય આધાર બનાવ્યો છે. ASI ના 98 દિવસના સર્વે દરમિયાન ભોજશાળા પરિસરમાંથી 106 સ્તંભો અને 82 પ્લાસ્ટર મળી આવ્યા હતા. જે મૂળભૂત રીતે પ્રાચીન હિન્દુ મંદિરોના ભાગ હતા. સ્તંભો પર દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, હાથી, સિંહ અને 10મી-11મી સદીના પરમાર કાલિન શિલાલેખો મળી આવ્યા છે.જે સાબિત કરે છે કે બાદમાં આ માળખાને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. કોર્ટે ASI ને આદેશ આપ્યો છે કે, તેઓ ભોજશાળાના વહીવટ અને સંચાલન માટે કેન્દ્ર સરકાર સાથે મળીને યોગ્ય વ્યવસ્થા કરે, જેથી સંસ્કૃત શિક્ષણ અને પૂજાના મૂળ ઉદ્દેશ્યને પુનઃજીવિત કરી શકાય.

આ ચુકાદા બાદ ધાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કલેક્ટરે સમગ્ર જિલ્લામાં કલમ 163 (અગાઉની ધારા 144) લાગુ કરી દીધી છે. અને સોશિયલ મીડિયા પર ભડકાઉ ટિપ્પણીઓ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને આ જીતને સત્યની જીત ગણાવી છે. અને હવે બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી મા વાગ્દેવીની મૂળ પ્રતિમાને પરત લાવીને ભોજશાળામાં વિધિવત સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી છે. આ ચુકાદાથી દાયકાઓ જૂના કાયદાકીય વિવાદનો અંત આવ્યો છે. અને ભોજશાળાના ધાર્મિક સ્વરૂપ અંગેની તમામ અટકળો પર વિરામ મુકાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE