રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા આજે 3 મે, રવિવારના રોજ NEET UG 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજના 5:20 વાગ્યા સુધી એક જ પાળીમાં યોજાશે.આ પરીક્ષા પેન-એન્ડ-પેપર મોડમાં લેવામાં આવશે..દિવ્યાંગ ઉમેદવારોને વધારાનો સમય આપવામાં આવશે, જે અંતર્ગત તેઓ સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા આપી શકશે.
NTAએ જણાવ્યું કે, આ પરીક્ષા ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 5,432 થી વધુ કેન્દ્રો પર યોજાઈ રહી છે..આ પરીક્ષામાં અંદાજે 22.79 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે..જે NEET (UG) 2026 ને વિશ્વની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક બનાવે છે.
22.79 લાખ ઉમેદવારો થશે સામેલ
NEET (UG) 2026 પરીક્ષાના સંચાલન માટે અનેક અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. જે અંતર્ગત:
-
શહેર-સ્તરના સંચાલનની દેખરેખ માટે 674 સિટી કોઓર્ડિનેટર્સ નિયુક્ત કરવામાં આવ્યા છે.
-
પરીક્ષા કેન્દ્રો પર સ્વતંત્ર દેખરેખ માટે 6,000 થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.
-
દરેક કેન્દ્ર પર કેન્દ્ર અધિક્ષક અને ઇન્વિજિલેટર્સની નિમણૂક કરવામાં આવી છે.
-
પરીક્ષાની ગુપ્ત સામગ્રીના સુરક્ષિત પરિવહન માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળનો સહયોગ લેવાશે.
-
કુલ મળીને 2 લાખથી વધુ કર્મચારીઓ આ પરીક્ષાને સુચારૂ રીતે પાર પાડવા માટે તૈનાત છે.
સેન્ટર પર સમય પહેલા પહોંચો
NTAએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ તેમના એડમિટ કાર્ડ પર આપેલા પરીક્ષા કેન્દ્રના સરનામાની કાળજીપૂર્વક તપાસ કરી લે. એવી માહિતી મળી છે કે કેટલાક કેન્દ્રોના સરનામા Google Maps પર ખોટા બતાવવામાં આવ્યા છે..તેથી માત્ર મેપ પિન પર ભરોસો ન કરો. ટ્રાફિક કે હવામાનને ધ્યાનમાં રાખીને સમયસર નીકળવું જરૂરી છે. ઉમેદવારોએ બપોરે 1:30 વાગ્યા સુધીમાં કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું પડશે અને સાથે એડમિટ કાર્ડ લાવવું ફરજિયાત છે.
પરીક્ષાર્થીઓ માટે ડ્રેસ કોડ
-
પુરુષ ઉમેદવારો: કેઝ્યુઅલ ટ્રાઉઝર, પેન્ટ અથવા જીન્સ પહેરવું. બૂટને બદલે ચંપલ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ટોપી, મફલર કે માથું ઢાંકતી કોઈપણ વસ્તુ પહેરવી નહીં.
-
મહિલા ઉમેદવારો: લેગિંગ્સ અથવા ટ્રાઉઝર પહેરવું. સાધારણ સેન્ડલ પસંદ કરવા અને બૂટ ટાળવા. હાથમાં મહેંદી ન લગાવવી અને પરીક્ષા કેન્દ્રની અંદર હેન્ડબેગ કે પર્સ ન લઈ જવું.
તણાવમાં હોવ તો હેલ્પલાઇન નંબર ડાયલ કરો
NTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “તમારું માનસિક સ્વાસ્થ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.તમારી જિંદગીથી વધીને કોઈ પરીક્ષા નથી. જો તમે તણાવ અથવા ભારે દબાણ અનુભવી રહ્યા હોવ, તો કૃપા કરીને સત્તાવાર હેલ્પલાઇન 14416 અથવા 1-800-891-4416 પર તરત જ સંપર્ક કરો. તમે એકલા નથી, મદદ ઉપલબ્ધ છે.”
NEET UG પરીક્ષાને લઈને તમામ શહેરોમાં વહીવટીતંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
Post Views: 35










