ટ્રમ્પના બેવડા તેવર! પીએમ મોદીના વખાણ કર્યા પણ ભારતને ‘નર્ક’ કહેતા વીડિયોને કર્યો સપોર્ટ; જાણો શું છે આખો વિવાદ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. ગુરુવારે ટ્રમ્પે ભારતને એક ‘મહાન દેશ’ ગણાવીને પીએમ મોદીના વખાણ કર્યા હતા. પરંતુ આ પ્રશંસાના થોડા જ કલાકો પહેલા તેમણે એક અત્યંત વિવાદાસ્પદ અને નસ્લવાદી ટિપ્પણીને શેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો.ટ્રમ્પે રાજકીય વિશ્લેષક માઈકલ સેવેજનો એક પોડકાસ્ટ શેર કર્યો હતો.જેમાં ભારત અને ચીન જેવા દેશોને ‘હેલ હોલ્સ’ એટલે કે ‘નર્ક’ કહીને સંબોધવામાં આવ્યા હતા. જોકે, વિવાદ વધતા નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, ટ્રમ્પ ભારતના પ્રત્યે હંમેશા હૂંફ ધરાવે છે.

આ પણ વાંચો:

ટ્રમ્પનો ભારત વિરુદ્ધ બફાટ: ભારત અને ચીનને ‘નર્ક’ ગણાવ્યા, નોકરીઓ હડપવાનો લગાવ્યો આરોપ

વિવાદનું મુખ્ય કારણ શું છે?

આ વિવાદના મૂળમાં માઈકલ સેવેજનો પોડકાસ્ટ ‘સેવેજ નેશન’ છે. જેમાં અમેરિકાના ‘બર્થરાઈટ સિટીઝનશિપ’ (જન્મજાત નાગરિકતા) કાયદા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સેવેજે વાંધાજનક ભાષામાં કહ્યું હતું કે, ભારત અને ચીનના લોકો અમેરિકા માત્ર એટલા માટે આવે છે કે, તેઓ નવમા મહિને બાળકને જન્મ આપી અમેરિકી નાગરિકતા મેળવી શકે. ટ્રમ્પે આ પોડકાસ્ટનો વીડિયો અને ટ્રાન્સક્રિપ્ટ શેર કરી હતી. જેમાં ભારતીય અને ચીની પ્રવાસીઓને ‘લેપટોપવાળા ગેંગસ્ટર’ ગણાવવામાં આવ્યા હતા. સેવેજનો આરોપ છે કે, આ લોકો અમેરિકાને માફિયા પરિવારો કરતા પણ વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.

નોકરીઓ અને નસ્લવાદી ટિપ્પણીઓ

સેવેજે વધુમાં દાવો કર્યો હતો કે, કેલિફોર્નિયાની હાઈ-ટેક કંપનીઓમાં હવે ‘શ્વેત પુરુષો’ માટે નોકરીની તકો ખતમ થઈ ગઈ છે. અને ભારતીયોએ ત્યાં કબજો જમાવી લીધો છે. તેમણે પ્રવાસીઓ પર અમેરિકાને લૂંટવાનો અને મૂળ નિવાસીઓને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં ખોટો દાવો કર્યો હતો કે, અમેરિકા વિશ્વનો એકમાત્ર દેશ છે જે જન્મના આધારે નાગરિકતા આપે છે. જ્યારે વાસ્તવમાં કેનેડા અને મેક્સિકો સહિત લગભગ 36 દેશોમાં આ કાયદો અમલી છે.

ભારત સરકારની પ્રતિક્રિયા

ભારત સરકારે આ મામલે અત્યંત સંયમિત અને માપસરની પ્રતિક્રિયા આપી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે માત્ર એટલું જ કહ્યું કે, “અમે કેટલીક રિપોર્ટ્સ જોઈ છે અને હું મારી વાત અહીં જ પૂરી કરું છું.” ભારત તરફથી કોઈ તીખી પ્રતિક્રિયા ન આપવી એ રાજદ્વારી સંયમ માનવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના આ બેવડા વલણની આકરી ટીકા થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, એક તરફ પીએમ મોદીને ‘સારા મિત્ર’ કહેવા અને બીજી તરફ ભારતને ‘નર્ક’ કહેતી પોસ્ટ શેર કરવી એ કેવો મૈત્રીભાવ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE