જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ: ધરતી ધ્રૂજી ઉઠી, સુનામીનું એલર્ટ જાહેર

જાપાનમાં સોમવારે આવેલા એક શક્તિશાળી ભૂકંપે લોકોમાં ફાળ પાડી દીધી છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા અંદાજે 7.5 માપવામાં આવી છે. આ ભૂકંપ દેશના ઉત્તર-પૂર્વીય તટ પાસે દરિયામાં આવ્યો હતો.જેના પગલે તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.જેના કારણે તેની અસર વધુ ખતરનાક હોવાનું મનાય છે.આ આંચકા બાદ અધિકારીઓએ ચેતવણી આપી છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 મીટર સુધી ઊંચા સુનામીના મોજા ઉછળી શકે છે.

સરકાર એલર્ટ મોડ પર

સરકારે તાત્કાલિક કટોકટીના પગલાં લેતા અસરગ્રસ્ત વિસ્તારો—જેમ કે ઈવાતે, આઓમોરી અને હોક્કાઈડોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.વડાપ્રધાન સાનાએ તાકાઈચી પણ લોકોને અપીલ કરી છે કે તેઓ વિલંબ કર્યા વગર ઊંચાઈવાળા વિસ્તારો અથવા રાહત શિબિરો તરફ જાય.ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે ઘણી જગ્યાએ લોકો સ્થિર ઉભા પણ રહી શક્યા ન હતા.જાપાનની ભૂકંપ માપવાની પદ્ધતિ મુજબ, આ ‘અપર 5’ લેવલનો આંચકો ગણાય છે.જે ખૂબ જ જોખમી શ્રેણીમાં આવે છે.

બુલેટ ટ્રેનો બંધ

સુરક્ષાના કારણોસર ઘણી મહત્વપૂર્ણ સેવાઓ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. ખાસ કરીને બુલેટ ટ્રેન સેવાઓને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. ટીવી ચેનલો પર સતત એલર્ટ મેસેજ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, સુનામીથી થતું નુકસાન ઘટાડવા માટે કેટલાક બંદરો પરથી જહાજોને દરિયામાં દૂર લઈ જવામાં આવ્યા છે. જોકે, હાલમાં મોટા પાયે જાન-માલના નુકસાનની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી..પરંતુ વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE