ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. લખતરના ભાસ્કરપરા અને વિઠ્ઠલગઢ વચ્ચે બેફામ ગતિએ આવતા એક ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
દુર્ઘટનાની વિગતો: મધ્યરાત્રીએ ‘કાળ’ ત્રાટક્યો
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. રાજકોટના ગઢકા ગામેથી પગપાળા સંઘ બહુચરાજીના દર્શન કરવા નીકળ્યો હતો. મધ્યરાત્રીએ જ્યારે આ સંઘ લખતરના છારદ ગામ પાસે નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક ટ્રકનું ટાયર બદલાવી રહેલા યુવાન અને તેની બાજુમાંથી પસાર થઈ રહેલા પદયાત્રીઓ પર પાછળથી આવતો એક બેકાબૂ ટ્રક ફરી વળ્યો હતો.
આ ભયાનક અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરુષો સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.અકસ્માત એટલો પ્રચંડ હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
મૃતકોની ઓળખ અને સ્થાનિકોની મદદ
આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત સાત સભ્યોએ જીવ ગુમાવ્યા છે.અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી અને તંત્રની દોડધામ
ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને ઝડપી લીધો છે. જે લખતરના ઝામર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા જ ગેડીયા મહંત અને ભરવાડ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા અને રાત્રિ દરમિયાન વાહનોની ગતિ મર્યાદા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Post Views: 34











