નોઈડામાં પગાર વધારા મુદ્દે કર્મચારીઓનું આંદોલન હિંસક બન્યું હતુ…પગાર વધારાની માંગણી સાથે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલી રહેલું ખાનગી કંપનીના કર્મચારીઓનું પ્રદર્શન આજે ઉગ્ર બન્યું હતું. નોઈડાના ફેઝ-2 વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે આવી જતાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોને નિશાન બનાવી આગચંપી કરી હતી. અને પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો.
પોલીસની કાર્યવાહી: ટીયર ગેસના ગોળા છોડાયા
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી. હિંસક વળાંક બાદ ફેઝ-2 વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ કર્મચારીઓએ મુખ્ય માર્ગો પર ‘ચક્કાજામ’ કરતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
મુખ્ય માંગણીઓ: ₹13,000 થી વધારી ₹20,000 પગારની જીદ
કર્મચારીઓનો આરોપ છે કે, વર્તમાન મોંઘવારીમાં તેમનો પગાર પૂરતો નથી. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
-
માસિક લઘુત્તમ પગાર ₹13,000 થી વધારીને ₹20,000 કરવામાં આવે.
-
ઓવરટાઇમનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
-
રજાઓની અલગ અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે.
ટ્રાફિકજામથી મુસાફરોની હાલાકી
આ આંદોલનના કારણે નોઈડાના સેક્ટર-60 અને ફેઝ-2 સહિતના વિસ્તારોમાં કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ઓફિસે જનારા લોકો અને સામાન્ય મુસાફરો કલાકો સુધી રસ્તામાં ફસાયેલા રહ્યા હતા.
અન્ય શહેરોમાં પણ વિરોધના સૂર
નોઈડા સિવાય ફરીદાબાદના સેક્ટર-37માં પણ 500થી વધુ કર્મચારીઓએ કંપનીની બહાર એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા..પલવલ પાસે આગ્રા હાઈવે પણ જામ કરવામાં આવ્યો હતો. જેના કારણે આંતરરાજ્ય વાહનવ્યવહારને અસર પડી હતી.
તંત્રની અપીલ અને કડક કાર્યવાહીના સંકેત
નોંધનીય છે કે, ગતરોજ જિલ્લા તંત્ર અને પોલીસ દ્વારા કર્મચારી સંગઠનો સાથે બેઠક કરી સમસ્યાના સમાધાનની ખાતરી અપાઈ હતી. તેમ છતાં આજે હિંસક પ્રદર્શન થતાં પોલીસે તોડફોડ કરનારા તત્વો વિરુદ્ધ સીસીટીવી ફૂટેજના આધારે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. હાલ તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
Post Views: 34











