IPL 2026: રાજસ્થાન રોયલ્સની જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સને 27 રને હરાવી પોઈન્ટ ટેબલમાં મજબૂત પકડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજયી રથ અવિરત ચાલુ રહ્યો. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં રાજસ્થાને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 27 રને પરાજય આપીને આ સીઝનમાં જીતની હેટ્રિક પૂરી કરી છે. યશસ્વી જયસ્વાલની તોફાની અડધી સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનના જોરે રાજસ્થાને શાનદાર જીત નોંધાવી હતી.

વરસાદના કારણે ઓવરોમાં કાપ, જયસ્વાલનું તોફાન

વરસાદના વિક્ષેપને કારણે ટોસ મોડો થયો હતો. જેના પરિણામે મેચ 11-11 ઓવરની કરવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો.જયસ્વાલે માત્ર 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 77 રન ફટકાર્યા હતા.જેના કારણે રાજસ્થાને 11 ઓવરમાં 150/3 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

મુંબઈની નબળી શરૂઆત અને બોલરોનો કહેર

151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.ટીમનો સ્કોર જ્યારે 46 રન હતો. ત્યાં સુધીમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. શેરફેન રધરફોર્ડ અને નમન ધીરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ રાજસ્થાનના બોલરો સામે તેઓ લાંબુ ટકી શક્યા નહીં. મુંબઈએ 9 ઓવરમાં 103 રન સુધીમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અંતે મુંબઈની ટીમ 11 ઓવરમાં 9 વિકેટે 123 રન જ બનાવી શકી હતી.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ટોપ પર

ઉલ્લેખનીય છે કે, રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સે આ પહેલા અમદાવાદમાં રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સને 6 રને હરાવ્યું હતું. સતત ત્રણ જીત સાથે રાજસ્થાન અત્યારે મજબૂત સ્થિતિમાં છે.

બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ હવે રાજસ્થાન સામે પણ તેમને હાર નસીબ થઈ છે. હવે મુંબઈની આગામી ટક્કર 12 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE