આઈપીએલ 2026ની 8મી મેચમાં દિલ્હી કેપિટલ્સે (DC) પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે શાનદાર પ્રદર્શન કરી વિજય વાવટો ફરકાવ્યો છે.દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો અને મુંબઈને 162 રન પર મર્યાદિત રાખ્યા બાદ 18.1 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
સૂર્યકુમારની અડધી સદી છતાં મુંબઈનો સ્કોર 162 રન
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે મોરચો સંભાળ્યો હતો. સૂર્યાએ સૌથી વધુ 51 રનની લડાયક ઈનિંગ રમી હતી. ઓપનર રોહિત શર્માએ 35 રન અને નમન ધીરે 28 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, તિલક વર્મા શૂન્ય રને આઉટ થતા મુંબઈ મધ્યક્રમમાં ડગમગી ગયું હતું. અંતિમ ઓવરોમાં મિશેલ સેન્ટનર (18) અને કોર્બિન બોશ (11) અણનમ રહ્યા હતા.જેના કારણે મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવી શક્યું હતું.
મુકેશ કુમારની ઘાતક બોલિંગ
દિલ્હીના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરી મુંબઈના બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા…મુકેશ કુમારે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે લુંગી ન્ગીડી, અક્ષર પટેલ, વિપ્રજ નિગમ અને ટી. નટરાજને એક-એક સફળતા મેળવી મુંબઈને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું.
કેપ્ટન અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હીની જીત
163 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે અત્યંત સમજી-વિચારીને બેટિંગ કરી હતી. ટીમે શરૂઆતથી જ વિકેટો બચાવી રાખી અને રન રેટ જાળવી રાખ્યો હતો. દિલ્હીએ માત્ર 18.1 ઓવરમાં 4 વિકેટના ભોગે જરૂરી રન બનાવી લીધા હતા. કેપ્ટન અક્ષર પટેલ અને ઓપનરોએ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટીમમાં ફેરફાર અને પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ માટે ત્રણ મોટા ફેરફાર કર્યા હતા. હાર્દિક પંડ્યાની જગ્યાએ દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ કોર્બિન બોશ અને અલ્લાહ ગઝનફરની જગ્યાએ મિશેલ સેન્ટનરને ટીમમાં સ્થાન મળ્યું હતું. બીજી તરફ, દિલ્હીએ વિજયી લય જાળવી રાખવા પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:
-
દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ (wk), પથુમ નિસન્કા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપ્રજ નિગમ, લુંગી ન્ગીડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, મુકેશ કુમાર.
-
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (wk), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, કોર્બિન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જસપ્રીત બુમરાહ.
Post Views: 68











