મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધનો આજે 33મો દિવસ છે. જેમાં ઈરાન અને ઈઝરાયેલમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ભીષણ જંગની અસર ભારત સહિત વિશ્વના અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં કુવૈતમાં અનેક ભારતીયોના મોત થયાના સમાચાર છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે કુવૈત એરવેઝની એક વિશેષ ફ્લાઇટ કેરળના એર્નાકુલમમાં કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી..જેમાં 20 ભારતીય નાગરિકોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા. જોકે, ભારતીય વિદેશ મંત્રાલય હાલમાં આ યુદ્ધમાં 8 ભારતીયોના મોત થયા હોવાનો દાવો કરી રહ્યું છે.
આ યુદ્ધની શરૂઆત ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાથી થઈ હતી.જેમાં ઈરાનના સુપ્રીમ લીડર ખમેની સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા છે. યુદ્ધને 32 દિવસ વીતી ગયા હોવા છતાં સ્થિતિ નિયંત્રણમાં આવતી દેખાતી નથી. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીઝફાયર એટલે કે યુદ્ધવિરામની વાતો કરી રહ્યા છે. તો બીજી તરફ તે જ ચર્ચાઓ વચ્ચે અમેરિકી હુમલાઓ પણ ચાલુ છે.જેના કારણે શાંતિની શક્યતાઓ પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, આ સંઘર્ષને કારણે અત્યાર સુધીમાં અંદાજે 55 લાખ મુસાફરો ભારત પરત આવી ચૂક્યા છે. ભારતીય દૂતાવાસ હાલમાં અસરગ્રસ્ત પરિવારોની સહાયતા કરવા અને અન્ય મૃતદેહોને વહેલી તકે વતન લાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે.
Post Views: 0











