પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026નું રણશિંગું ફૂંકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહે TMCના 15 વર્ષના શાસનને અરાજકતાનો કાળો અધ્યાય ગણાવતા જનતાની ચાર્જશીટ જાહેર કરી હતી. શાહે સ્પષ્ટ કર્યું હતું કે 6 મેના રોજ બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારના દિવસો પૂરા થઈ જશે.
અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે મમતા બેનર્જીને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, “હું મમતા જીને કહેવા માંગુ છું કે, જેટલું રડવું હોય એટલું રડી લો… અમે વીણી-વીણીને એક-એક ઘૂસણખોરને માત્ર મતદાર યાદીમાંથી જ નહીં કાઢીએ, પરંતુ તેમને દેશની બહાર પણ કરીશું.”
“ઘૂસણખોરો દેશની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે”
તેમણે આસામ મોડલનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં ભાજપ સરકાર આવ્યા પછી ઘૂસણખોરી સમાપ્ત થઈ ગઈ છે. હવે બંગાળ જ એકમાત્ર એવો રસ્તો બચ્યો છે, જ્યાંથી ઘૂસણખોરો દેશની સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે. શાહે વચન આપ્યું હતું કે ભાજપ સરકાર બન્યાના 45 દિવસમાં જ સરહદ પર ફેન્સિંગ (વાડ) લગાવવા માટે જમીન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે અને સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે.
શાહે આ ચૂંટણીને જનતા માટે મુક્તિની ચૂંટણી ગણાવી હતી. તેમણે બે સ્પષ્ટ વિકલ્પો રજૂ કર્યા:
-
ભયમાંથી મુક્તિ: જીવ જવાનો ડર, મિલકત લૂંટાવાનો ડર, રોજગાર છીનવાઈ જવાનો ડર અને મહિલાઓની અસુરક્ષામાંથી આઝાદી.
-
ભરોસાની ગેરંટી: શાંતિ, સન્માનજનક જીવન, મફત સારવાર, પાકું મકાન, મફત વીજળી અને યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય.
શાહે ઉમેર્યું હતું કે, “વિકાસ અને ઉદ્યોગોના અભાવે બંગાળ આજે ફેક્ટરીઓ માટે કબ્રસ્તાન બની ગયું છે. ‘સોનાર બાંગ્લા’નું સપનું બતાવીને TMCએ સિન્ડિકેટ રાજ સ્થાપ્યું અને જનતાનું શોષણ કર્યું. બંગાળને ભ્રષ્ટાચારની પ્રયોગશાળા બનાવી દેવામાં આવી છે, જ્યાં ઉપરથી નીચે સુધી માત્ર ઉઘરાણીની રમત ચાલી રહી છે.”
યુવાનો માટે મોટી જાહેરાત
શિક્ષક ભરતી અને અન્ય કૌભાંડોનો ઉલ્લેખ કરતા અમિત શાહે બંગાળના યુવાનો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભરતી કૌભાંડોને કારણે જે યુવાનોની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તેમને ભાજપ સરકાર 5 વર્ષની છૂટછાટ (Relaxation) આપશે. અસરગ્રસ્ત યુવાનોને SSC ભરતીમાં ફરીથી તક આપવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવશે.
Post Views: 0











