સાવધાન! જો તમારી કારમાં દેખાય આ 5 સંકેત, તો સમજી લેજો કે ટાયર બદલવાનો સમય આવી ગયો છે

આપણે અવારનવાર કારના એન્જિન, માઈલેજ અને સર્વિસિંગ પર તો પૂરતું ધ્યાન આપીએ છીએ..પરંતુ ટાયરને ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. મોટાભાગના લોકો ત્યાં સુધી ટાયર નથી બદલાવતા જ્યાં સુધી તે સાવ ઘસાઈ ન જાય. પરંતુ શું તમે જાણો છો કે નબળા ટાયરને કારણે બ્રેકિંગ સિસ્ટમ નબળી પડે છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે? જાણો ક્યારે તમારે ટાયર બદલવા જ જોઈએ.

ટાયરનું આયુષ્ય કેટલું હોય છે?

સામાન્ય રીતે કારના ટાયરનું આયુષ્ય 5 થી 6 વર્ષ માનવામાં આવે છે. કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ તો તે 40,000 થી 80,000 કિમી સુધી ચાલી શકે છે. ભલે ટાયર બહારથી સારા દેખાતા હોય, પણ સમય જતાં તેનું રબર નબળું પડે છે.. તેથી 6 વર્ષથી જૂના ટાયર વાપરવા જોખમી છે.

ટાયર બદલવા માટેના 5 મુખ્ય સંકેતો:

  1. ટાયરની ગ્રીપ ઓછી થવી (Low Grip): જો વરસાદમાં કે ભીના રસ્તા પર ગાડી લપસતી હોય અથવા બ્રેક મારવા છતાં પકડ ન મળતી હોય, તો સમજી લેવું કે ટાયરની ગ્રીપ ઘસાઈ ગઈ છે. ટાયર પરના ‘ટ્રેડ પેટર્ન’ રસ્તા પર મજબૂત પકડ બનાવવામાં મદદ કરે છે.. જે ઘસાઈ જવાથી જોખમ વધે છે.

  2. ટાયર પર તિરાડો કે કટ દેખાવવા: લાંબા સમય સુધી તડકામાં ગાડી ઉભી રાખવાથી ટાયરનું રબર સખત થઈ જાય છે અને તેના પર તિરાડો પડવા લાગે છે. જો ટાયરની સાઈડમાં નાના કટ કે સોજો (Bulge) દેખાય, તો તેને હળવાશથી ન લો. હાઈવે પર સ્પીડમાં ગાડી હોય ત્યારે આવું ટાયર ગમે ત્યારે ફાટી શકે છે.

  3. કિલોમીટરની મર્યાદા પૂરી થવી: જો તમારી કાર 40,000 થી 50,000 કિમી ચાલી ગઈ હોય, તો ટાયરની સ્થિતિ ચોક્કસ ચેક કરાવો. ભલે તે ઉપરથી સારા દેખાય, પણ અંદરથી તેનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હોઈ શકે છે.

  4. ટાયરનું અસમાન રીતે ઘસાવવું (Uneven Wear): જો ટાયર એક બાજુથી વધુ ઘસાયેલું હોય અથવા વચ્ચેથી પાતળું થઈ ગયું હોય, તો તે વ્હીલ એલાઈનમેન્ટ કે સસ્પેન્શનની સમસ્યા દર્શાવે છે. આવા ટાયર ગાડીનું બેલેન્સ બગાડે છે અને માઈલેજ પર પણ માઠી અસર કરે છે.

  5. ટાયરની એક્સપાયરી ડેટ: ઘણી ઓછી ગાડી ચલાવી હોય તો પણ 6 વર્ષ પછી ટાયર બદલી નાખવા હિતાવહ છે. ટાયર પર તેની મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી હોય છે. જૂના ટાયર અંદરથી ખોખલા થઈ જાય છે અને ગમે ત્યારે દગો દઈ શકે છે.

સુરક્ષા માટે ખાસ ટિપ્સ:

  • દર મહિને ટાયરનું પ્રેશર (Air Pressure) ચેક કરાવો.

  • દર 5,000 થી 10,000 કિમીએ ટાયર રોટેશન કરાવો.

  • વ્હીલ એલાઈનમેન્ટ અને બેલેન્સિંગ નિયમિત ચેક કરાવતા રહો.

તમારી અને તમારા પરિવારની સુરક્ષા કારના ચાર ટાયર પર ટકેલી છે. ઉપર મુજબના કોઈપણ સંકેત દેખાય તો વિલંબ કર્યા વગર ટાયર બદલાવી લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE