ગુજરાતમાં શિયાળાએ સત્તાવાર વિદાય લેતાની સાથે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભયાનક હીટવેવની આગાહી કરવામાં આવી.જેના પગલે અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં ગરમીનું ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.ઉત્તર-પૂર્વના સૂકા અને ગરમ પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
કયા જિલ્લાઓમાં ગરમીનું જોખમ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું જોખમ વધુ રહેશે. સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની અસર વર્તાશે. આ સિવાય ઉત્તર ગુજરાતના ડીસા (બનાસકાંઠા) અને ભુજ (કચ્છ) પંથકમાં પણ નાગરિકોએ આકરી લૂનો સામનો કરવો પડશે.
તાપમાનના આંકડા અને વર્તમાન સ્થિતિ
હાલમાં રાજકોટ અને સુરેન્દ્રનગર 40 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો નોંધાયા છે. ગાંધીનગર, ડીસા, ભુજ અને સુરત જેવા વિસ્તારોમાં પણ તાપમાન 39 ડિગ્રીની આસપાસ સ્થિર થયું છે.બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
90 દિવસનો ‘ગરમીનો સ્પેલ’ અને વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાતોના મતે, આગામી મે મહિનાના અંત સુધી એટલે કે અંદાજે 90 દિવસ સુધી નાગરિકોએ કાળઝાળ ગરમી વેઠવી પડશે. જોકે, આ આકરી ગરમીની વચ્ચે માર્ચ મહિનામાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદ (માવઠું)ની પણ શક્યતા છે.એકંદરે, આ વર્ષે ગુજરાતમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા વધુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
તકેદારીના પગલાં: લૂ થી કેવી રીતે બચશો?
-
સમય: બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો.
-
પોશાક: ગરમીથી બચવા સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરો, બહાર જતી વખતે માથું ઢાંકીને રાખો.
-
ખોરાક: શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી, લીંબુ શરબત, છાશ અને ઓઆરએસ (ORS) લેતા રહો.
Post Views: 346











