ગુજરાતમાં અવાર-નવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી અને છબરડાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે આવી જ વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા પર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ કામધેનુ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ પર સવાલ કરતાં ફિશરીઝ વર્ગ-3ની પરીક્ષામાં છબરડાનો આરોપ લગાવ્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ કર્યા ગંભીર સવાલ
આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષામાં છબરડાનો આરોપ લગાવતા કહ્યું કે, આજથી નવ મહિના પહેલાં એટલે કે, 12 માર્ચ 2024ના દિવસે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં 15 માર્ચથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ વર્ગ-3 (પોસ્ટ/વેકેન્સી-1) માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વાત એ છે કે આ પરીક્ષામાં 200 માર્ક્સનું MCQ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું. જે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું તે પહેલાંથી જ 2021થી એક સોશિયલ મીડિયા વેબ બ્લોગ પોસ્ટ પર ઉપલબ્ધ હતું. તેથી આ એક મોટો છબરડો છે.
દવાલાને પાસ કરવાનું ષડ્યંત્ર?
આ વિશે વધુ વાત કરતાં જાડેજાએ કહ્યું કે, જે બ્લોગ પર પેપર ઉપલ્બધ હતું તે હિંમતનગરના ફિશરીઝ કોલેજના પ્રોફેસર દ્વારા ચલાવાતું હતું. પ્રોફેસર દ્વારા હિંમતનગરથી જ ચલાવવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે, થોડા સમય પહેલાં જ મેરિટ યાદી બનાવવામાં આવી છે અને જે ઉમેદવાર મેરિટમાં પહેલાં નંબરે છે તે વ્યક્તિ પણ હિંમતનગરથી જ છે. તેથી, પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, પબ્લિક ડોમીનમાં 2021 નું અપલોડ થયેલા પેપર 2024 માં પુછી પોતાના વાલા દવાલાને પાસ કરવાનું ષડ્યંત્ર તો નથી ચાલતું ને?
નોંધનીય છે કે, ફિશરીઝ માટે તો ગુજરાતમાં ત્રણ જગ્યાએ જ કોલેજ આવેલ છે. નવસારી, વેરાવળ અને હિંમતનગરમાં. આ સાથે જાડેજાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પણ ખૂબ ઓછા હોવાનો મતલબ એવો તો નથી કે વિદ્યાર્થી સાથે અન્યાય થાય.