ટીપરવાન કોન્ટ્રાક્ટમાં કરોડોની ગરબડ?

નિલેશ જલુ અને નેહલ શુક્લએ જયમિન ઠાકરના નિર્ણયની પોલ ખોલી બહાદુરીનું કામ કર્યું

નવા ટેન્ડરને કારણે 10 વર્ષમાં 1200 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ થશે જે હાલ કરતા બે ગણો

વર્ષે 53 કરોડના ખર્ચે થતી કામગીરી રૂ. 111.56 કરોડમાં અને તેમાં વર્ષે 5 ટકા વધારાથી કરાશે

ભાજપના જ કેટલાક નેતાઓને ગરબડની ગંધ આવી જતા અંદરખાને વિરોધ, વિપક્ષને હજુ આ મુદ્દે માહિતી નથી મળી એટલે મૌન રાખી બેઠું

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની પોલિસી બદલીને નવી શરતો સાથે ટેન્ડર કર્યા છે જેમાં પ્રતિ વર્ષ 112 કરોડ રૂપિયા અને પાંચ ટકાના ભાવવધારા સાથે 10 વર્ષ માટે બે એજન્સીઓને કામ અપાયું છે. હાલ આ કામ 53 કરોડમાં થાય છે. નવા ટેન્ડરને કારણે 10 વર્ષમાં 1200 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ થશે જે હાલ કરતા બે ગણો છે. આ મુદ્દે પ્રજાના પૈસાની કટકી બચાવી મસમોટું કૌભાંડ અટકાવવા નિલેશ જલુ અને નેહલ શુક્લએ જયમિન ઠાકરના નિર્ણયની પોલ ખોલી બહાદુરીનું કામ કર્યું છે.

સેનિટેશન સમિતિના ચેરમેન નિલેશ જલુએ મ્યુનિસિપલ કમિશનરને 25-10ના પત્ર લખ્યો હતો અને તેનો વિષય જ એ લખ્યો હતો કે ટીપરવાનની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ ન કરવા બાબત. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, ટેન્ડરમાં અંદરોઅંદર સમજૂતી કરીને ભાવ ભર્યા છે. આ કારણે મનપાને 800થી 825 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થાય તેમ છે. જે અટકાવવાની કમિશનરની ફરજ છે.

એજન્સીઓએ રિંગ કરીને અરસપરસ સમજૂતી કરીને સંસ્થાને મોટું આર્થિક નુકસાન જાય તેવા ભાવો ભર્યા છે. સંસ્થાને આર્થિક નુકસાન ન થાય તે માટે ટેન્ડર રદ કરવા જરૂરી છે. આ ઉપરાંત શરતોમાં ફેરફાર કરીને અન્ય પાર્ટીઓ પણ ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવા નિયમો રાખીને મનપાને આર્થિક ફાયદો થાય નવી સારી કંપનીઓ આવે અને વાજબી ભાવો મળે તેવી પ્રક્રિયા થવી જોઈએ.

આ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વેની ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ભારે ડખ્ખો થયો હતો. ધોળા હાથી સમાન ટીપરવાન અને સફાઇની નવી વ્યવસ્થા સામે વાંધો ઉઠાવવા છતાં સંકલન બેઠકમાં આ દરખાસ્ત મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના વિરોધમાં સભ્ય તરીકે નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગેરહાજર રહી વિરોધ નોંધાવ્યો હતો.

નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, એક ટીપરવાન પાછળ પ્રતિદિન 5450નો ખર્ચ થાય છે. વર્ષે દહાડે આ ખર્ચ 19.89 કરોડ થશે. 573 ટીપરનો હિસાબ કરવામાં આવે તો ખર્ચનો આંક ખૂબ મોટો થાય છે. હાલ માત્ર 33 કરોડનો વાર્ષિક ખર્ચ થાય છે. જેની સામે હવે નવી સિસ્ટમમાં ખર્ચનો આંક ચાર ગણો એટલે કે 111 કરોડએ પહોંચશે. 10 વર્ષના કોન્ટ્રાક્ટમાં એજન્સીને કરોડો રૂપિયાની કમાણી થશે. બંને એજન્સીઓ મુંબઇ અને વડોદરાની હોય તેઓએ રાજકોટમાં કોઇ જ પ્રકારની કામગીરી કરવાની નથી. પેટા કોન્ટ્રાક્ટ આપીને વર્ષે દહાડે 44 કરોડનું કમિશનર લઇ જશે. જે વ્યાજબી નથી.

આ દરખાસ્તથી એજન્સીને 10 વર્ષમાં મનપાએ આશરે 500 કરોડનું વધારાનું ચૂકવણું કરવું પડે અને એક જ એજન્સી પર આધારિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે. ખુદ ભાજપના જ કેટલાક નેતાઓને આ ગરબડની ગંધ આવી જતા તેઓ અંદરખાને પક્ષની શિસ્તમાં રહીને વિરોધ કરી રહ્યા છે અને વિપક્ષને હજુ આ મુદ્દે માહિતી નથી મળી.

એટલું જ નહીં, કમિશનરની દરખાસ્ત કે સ્ટે.ચેરમેન દ્વારા જારી વિગત અનુસાર દરેક કામગીરી માટે કેટલો ખર્ચ થાય તેનું કોઈ વિવરણ જનતા માટે જાહેર કરાયું નથી. માત્ર આકર્ષક ફીચર્સ ઉમેરીને વસ્તુની કિંમતને બમણી કરી દેવાઈ છે. વળી, લોકોની જે મૂળ ફરિયાદો છે કે ટીપરવાનમાં વધુ પડતો કચરો ઠલવાય, ટીપરવાન મોડા આવે કે ન આવે, ન્યુસન્સ પોઈન્ટ પર કચરાના ઢગલા તે દરેક ફરિયાદ દીઠ પેનલ્ટીની કોઈ જોગવાઈ કરાઈ નથી.

બોક્સ : ટીપરવાન ટેન્ડર મામલે ખોટુ થયાની શંકા જન્મવાના કારણો

(1) નવા ફીચર્સ ઉમેર્યા તે દરેક કામગીરીવાઈઝ ખર્ચની વિગત અપાઈ નથી. (2) અબજોનું ટેન્ડર એક જ એજન્સીને બદલે અલગ અલગ આપી સ્પર્ધાત્મક ભાવનો પ્રયાસ નથી. (3 ) ટીપરવાન મોડી પડે, કચરો ન ઉપડે તો નાગરિકોની ફરિયાદના આધારે મોટી રકમની પેનલ્ટીની ચોખવટ દરખાસ્તમાં નથી કરાઈ. (4) પર્યાવરણ ઈજનેરની બદલી કરીને આ ટેન્ડર ઉભુ કરાયું છે. જુના ઈજનેરના સમય કરતા બમણાંથી વધુ ભાવ. (5) ટેન્ડરમાં જોઈન્ટ વેન્ચરની અગાઉ જેવી છૂટ નહીં, તેથી અમુકને જ કોન્ટ્રાક્ટ મળે તેવી વ્યવસ્થા. (6) જે ટેન્ડર ભરાયા છે તે એક જ IP એડ્રેસથી ભરાયાની ચર્ચા. (7) મનપા સોલીડ વેસ્ટ એકત્રીકરણ માટે આવું કરવા માંગે છે તેની અગાઉથી જનતાને જાણ કરાઈ નથી, સીધી દરખાસ્ત.

બોક્સ : સફાઇ કામગીરીના ખાનગીકરણમાં ટેન્ડર પ્રોટોકોલ કમિટીના નિયમો જ નેવે મુકાયા!

સામાન્ય રીતે મનપા દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવે તેમાં એસ્ટિમેન્ટ કોસ્ટ (અંદાજીત ખર્ચ) મુકવામાં આવતો હોય છે. એજન્સીઓ દરેક ટેન્ડર ઓન સાથે ભરતા હોય એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની રીંગ તોડવા અંદાજીત ખર્ચ કરતાં 27 ટકાથી વધુ ઓન આવે તો ટેન્ડર નામંજૂર કરીને રીટેન્ડર કરવામાં આવે છે. મનપા ઉપર આર્થિક બોજ ન આવે અને એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ન ચલાવે તે માટે મનપાએ ટેન્ડર પ્રોટોકોલ કમિટી બનાવી છે. ત્યારે દસ વર્ષના કોન્ટ્રાક્ટ સાથેના ટેન્ડરમાં મનપાએ એસ્ટિમેન્ટ કોસ્ટ જાહેર કરી હતી કે કેમ? એજન્સીઓને એસ્ટિમેન્ટ કોસ્ટ આપ્યા વગર જ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે ત્યારે મનપાએ પોતે જ ઘડેલા પ્રોટોકોલ કમિટીના નિયમોનું પાલન થયું છે કે કેમ? તેની તપાસ કરાયા વગર જ સ્ટેન્ડિંગ કમિટીએ 1100 કરોડની દરખાસ્ત મંજૂર કરી દીધી છે. સામાન્ય રીતે મનપાના મોટા પ્રોજેક્ટના ટેન્ડરોમાં 27 ટકાથી વધુ ભાવ આવ્યા હોય તો ટેન્ડર પ્રોટોકોલ કમિટી દ્વારા ટેન્ડર ના મંજૂર કરવામાં આવે છે. આ કિસ્સામાં 30થી 33 ટકા વધુ ભાવ આવ્યા છે આમછતાં મનપાએ પોતાની કમિટીના નિયમો નેવે મુકીને રીટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે એક જ ઝાટકે ટેન્ડર મંજૂર કરી દેવા પાછળનો ઇરાદો શું? એજન્સીઓને ખાસ કિસ્સામાં પ્રોટોકોલ કમિટીના નિયમોમાંથી છૂટછાટ આપવા પાછળનો ઇરાદો શું? તેની તપાસ કે ચકાસણી ર્ક્યા વગર જ સ્ટેન્ડિંગ કમિટીએ આ મહાકાય દરખાસ્ત મંજૂર કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE