મહિલાઓ વિરુદ્ધ હિંસા પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી: કાયદા બન્યા પણ સમાજની માનસિકતા ન બદલાઈ

દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદાઓ તો બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ શું ખરેખર જમીની સ્તર પર સ્થિતિ બદલાઈ છે? સુપ્રીમ કોર્ટે આ વિષય પર એક અત્યંત ગંભીર અને ખૂંચે તેવી ટિપ્પણી કરી છે. અદાલતનું માનવું છે કે,માત્ર કાયદા બનાવી દેવાથી મહિલાઓ વિરુદ્ધની હિંસા ખતમ નહીં થાય, કારણ કે સમાજની માનસિકતા આજે પણ ત્યાં જ અટકેલી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કોટીશ્વર સિંહની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, ભારતમાં મહિલાઓ વિરુદ્ધના ગુના રોકવા માટે પૂરતા કાયદા અસ્તિત્વમાં છે. આમ છતાં, હિંસાની ઘટનાઓ ઓછી થઈ રહી નથી.

પત્નીના હત્યારાની અપીલ ફગાવી

અદાલતે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેણે પોતાની પત્નીને જીવતી સળગાવી દેનાર વ્યક્તિ (શંકર)ની અપીલ ફગાવી દીધી. નીચલી અદાલત અને હાઈકોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.જેના પર સુપ્રીમ કોર્ટે પણ પોતાની મહોર લગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પીડિતા દ્વારા મૃત્યુ પહેલાં આપવામાં આવેલું નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) દોષીને સજા અપાવવા માટે નક્કર આધાર છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે અસલી સમસ્યા ‘સામાજિક માનસિકતા’માં છે. જ્યાં સુધી સમાજ મહિલાઓને સમાન દરજ્જો અને સન્માન આપવાની પોતાની વિચારધારા નહીં બદલે, ત્યાં સુધી કડકમાં કડક કાયદા પણ નિષ્ફળ સાબિત થઈ શકે છે.

બંધારણ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત

બેન્ચે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતીય બંધારણ મહિલાઓને ગરિમા સાથે જીવવાનો અધિકાર આપે છે. જોકે, વાસ્તવિકતામાં મહિલાઓ આજે પણ પોતાના ઘરથી લઈને કાર્યસ્થળ સુધી અસુરક્ષિત અનુભવે છે. કોર્ટે કહ્યું કે, પિતૃસત્તાક માનસિકતા અને મહિલાઓને ‘વસ્તુ’ સમજવાનો દ્રષ્ટિકોણ જ ગુનાઓનું મૂળ છે.

શું છે ઉકેલ?

સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, કાનૂની લડાઈની સાથે સાથે એક ‘સામાજિક ક્રાંતિ’ની જરૂર છે. શિક્ષણ અને જાગૃતિ દ્વારા નવી પેઢીને એ શીખવવું પડશે કે, મહિલાઓનું સન્માન એ કોઈ ઉપકાર નથી.પરંતુ તેમનો મૌલિક અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE