વિમાન ઈંધણના ભાવ વધતા હવાઈ મુસાફરી મોંઘી: ઇન્ડિગો ₹10,000 સુધી વસૂલશે ‘ફ્યુઅલ ચાર્જ’

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ બુધવારે જણાવ્યું હતું કે, વિમાન ઈંધણ (Jet Fuel) ના ભાવમાં થયેલા વધારાને પગલે તે 2 એપ્રિલથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 275 થી લઈને 10,000 સુધીનો સુધારેલો ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. ફ્યુઅલ ચાર્જમાં આ વધારાથી વિવિધ રૂટ્સ પર હવાઈ ભાડામાં વધારો થવો નક્કી છે. એરલાઇનની આ જાહેરાત એવા દિવસે આવી છે. જ્યારે એટીએફ (ATF) ના ભાવમાં સુધારો કરવામાં આવ્યો અને સરકારે સ્થાનિક ઉડાનો માટે કિંમતોમાં 25 ટકાનો આંશિક વધારો કરવાનો નિર્ણય લીધો.

પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઈંધણના ભાવમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખીને, એરલાઇન 14 માર્ચથી જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટો પર ₹425 થી ₹2,300 સુધીનો ફ્યુઅલ ચાર્જ વસૂલી રહી છે. હવે સ્થાનિક ઉડાનો માટે અંતરના આધારે આ સુધારેલો ફ્યુઅલ ચાર્જ ₹275 થી ₹950 ની વચ્ચે રહેશે.

કેટલો વધારો થશે?

ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમણે મુસાફરીના અલગ-અલગ અંતર મુજબ પોતાના સ્થાનિક ફ્યુઅલ ચાર્જને ફરીથી નિર્ધારિત કર્યા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના કિસ્સામાં, અંતરના આધારે આ ચાર્જ 900 થી લઈને 10,000સુધીનો હોઈ શકે છે.

ક્યારથી લાગુ થશે આ ફેરફાર?

નિવેદન અનુસાર, આંતરરાષ્ટ્રીય કામગીરી માટે છેલ્લા એક મહિનામાં ATFની કિંમતો બમણાથી વધુ વધી ગઈ છે, જેના કારણે આ રૂટ્સ પર એરલાઇનના ઓપરેશનલ ખર્ચ પર નોંધપાત્ર અસર પડી છે. આ સુધારેલા દરો 2 એપ્રિલના રોજ રાત્રે 00:01 વાગ્યાથી અમલમાં આવશે.

સરકારનો નિર્ણય અને ઉદ્યોગની પ્રતિક્રિયા

એરલાઇન કંપનીઓએ બુધવારે જણાવ્યું હતું કે, વિમાન ઈંધણની કિંમતમાં ‘આંશિક વધારા’ થી સ્થાનિક હવાઈ મુસાફરીના ખર્ચને સંતુલિત રાખવામાં મદદ મળશે. સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે જણાવ્યું હતું કે, “સરકારનો જેટ ફ્યુઅલની કિંમતોમાં માત્ર આંશિક વધારાને મંજૂરી આપવાનો નિર્ણય એવિએશન ઉદ્યોગ માટે મોટી રાહત છે. આ સમયસરના હસ્તક્ષેપથી એરલાઇન્સને વર્તમાન વૈશ્વિક સંકટનો સામનો કરવામાં મદદ મળશે.”

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સલાહ બાદ સ્થાનિક એરલાઇન્સ માટે માત્ર 25 ટકા એટલે કે 15 પ્રતિ લિટરનો આંશિક અને તબક્કાવાર વધારો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

વધારાનું દબાણ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હવાઈ ક્ષેત્ર (Airspace) પરના પ્રતિબંધોને લીધે એરલાઇન્સ પહેલેથી જ ઊંચા ઓપરેશનલ ખર્ચનો સામનો કરી રહી છે. આ પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાંબા રૂટ અપનાવવા પડી રહ્યા છે. જેના પરિણામે ઈંધણનો વપરાશ પણ વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE