પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મમતા બેનર્જીની પાર્ટી TMCને મોટો ફટકો પડ્યો છે. TMC માટે રાજકીય રણનીતિ તૈયાર કરતી કંપની I-PAC ના વિવિધ ઠેકાણાઓ પર પ્રવર્તન નિર્દેશાલય (ED) એ દરોડા પાડ્યા છે. EDની ટીમોએ દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ સ્થિત કંપનીની ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ચૂંટણી ટાણે જ થયેલી આ કાર્યવાહીને મમતા સરકાર માટે મોટી મુશ્કેલી માનવામાં આવી રહી છે.
ક્યાં-ક્યાં થઈ તપાસ?
EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રાજકીય કન્સલ્ટન્સી ફર્મના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા પરિસરો પર નવેસરથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તપાસનો વ્યાપ દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરો સુધી વિસ્તરેલો છે.
રાજકીય ગરમાવો વધવાની શક્યતા
બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે EDની આ કાર્યવાહીથી રાજકીય હંગામો થવાની પૂરેપૂરી સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે EDના અધિકારીઓ કોલકાતામાં I-PAC ના ઠેકાણે તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ત્યાં દોડી ગયા હતા.
ચૂંટણીનું ગણિત
પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે 23 એપ્રિલ અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે.જેનું પરિણામ 4 મે ના રોજ જાહેર થશે. રાજ્યમાં મુખ્ય મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે, જ્યારે કોંગ્રેસ પણ મેદાનમાં છે.
-
સુરક્ષા અને દેખરેખ: ચૂંટણી પંચે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે કડક સૂચનાઓ આપી છે અને પોલીસ પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપ્યો છે.
-
ગંભીર આક્ષેપ: બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને પ્રહાર કર્યા છે. જેના કારણે ચૂંટણીનો માહોલ અત્યંત ગરમાયો છે.
Post Views: 0











