રહેણાંક વિસ્તારની 500 મીટરની ત્રિજયામાં પવન ચક્કી નાખવા એડિશનલ ચીફ સેક્રેટરીને જવાબ રજૂ કરવા આદેશ

ભાવનગરના તળાજામાં સખાવદર, ખાનધેરા અને સરતાનપુર ગામે રહેણાંક વિસ્તારની 500 મીટરની ત્રિજયામાં પવન ચક્કી નાખવા સામે કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારને ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને આ કેસમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સનો ચુસ્ત અમલ કરવામાં આવશે કે કેમ અને પ્રાથમિક શાળાને તેઓ રહેણાંક વિસ્તારમાં ગણે છે કે કેમ તે સહિતના મુદ્દે વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.

આ કેસમાં આજે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ગેડા)ના ચેરમેને સોગંદનામું રજૂ કરી સ્વીકાર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો ભંગ થયો છે. પ્રાથમિક શાળાથી 500 મીટર કરતાં અંદર અને રહેણાંક વિસ્તારમાં પવનચક્કી લાગેલી છે. જેથી હાઇકોર્ટે ટકોર કરી હતી કે, અદાલત પ્રાથમિક શાળાને રહેણાંક વિસ્તાર તરીકે જ જુએ છે, તેને ફકત બિલ્ડીંગની વ્યાખ્યા આપી શકાય નહી.

હાઇકોર્ટે સત્તાવાળાઓને તેમની ભૂલ સુધારવા જણાવ્યું હતું. તો, કંપનીએ બચાવ કરતાં જણાવ્યું કે, રૃ.18થી 20 કરોડના ખર્ચે પવનચક્કી નંખાઇ રહી છે. આ પવનચક્કી ઝીરો પોલ્યુશન કરે છે અને અદ્યતન ટેકનોલોજીથી બનેલી છે. જેથી હાઇકોર્ટે સાફ શબ્દોમાં સંભળાવ્યું કે, તમને મંજૂરી અપાય તો, કાલે બીજા સો લોકો આવી રીતે કેન્દ્રની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરીને મંજૂરી માંગવા આવશે.

કેસની વિગતો મુજબ ભાવનગરના તળાજાના સ્થાનિક રહીશો તરફથી કરાયેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિન્ડ ટર્બાઇન નાંખવાની બાબતમાં કેન્દ્રના ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયની માર્ગદર્શિકાનો ભંગ કરાઇ રહ્યો છે. વિન્ડ ટર્બાઇનના કારણે સમગ્ર વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે, જેને લઇ લોકો હાલાકીનો ભોગ બને તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE